જામનગરમાં પત્ની સામે પતિએ હુમલાની ફરિયાદ નોંધાવી:હત્યાના કાવતરાની શંકા, મોબાઈલ માંગતા બેટથી હુમલો

Gujarat5/24/2026, 11:05:11 AM
જામનગરમાં પત્ની સામે પતિએ હુમલાની ફરિયાદ નોંધાવી:હત્યાના કાવતરાની શંકા, મોબાઈલ માંગતા બેટથી હુમલો
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદે ગંભીર વળાંક લીધો છે. પત્ની પર પોતાની હત્યાનું કાવતરું ઘડવાની શંકા રાખી પતિએ પુરાવા રૂપે મોબાઈલ માંગતા પત્નીએ ક્રિકેટ બેટથી હુમલો કર્યો હતો. આ અંગે પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ અંગે બીપીનભાઈ મારખીભાઈ કરમુર (ઉંમર 40, વ્યવસાય ડ્રાઇવિંગ, રહે. ગોકુલનગર સરદારનગર શેરી નં.01, સાંઢીયાપુલ પાસે, જામનગર) દ્વારા સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, 8 એપ્રિલ, 2026ના રોજ તેઓ પોતાના દીકરાને મળવા માટે પત્ની ભાનુબેનના ઘરે ગયા હતા. તે દરમિયાન બીપીનભાઈએ તેમની પત્ની ભાનુબેનને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં તેમને જાનથી મારી નાખવાની વાત કરતી સાંભળી હતી. આ વાત સાંભળી જતાં તેમણે પુરાવા માટે પત્ની પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો. જોકે, પત્નીએ ફોન આપવાનો ઇનકાર કર્યો હતો અને મોબાઈલમાં રહેલી વાત બહાર આવી જવાની ભીતિથી તે એકદમ ઉશ્કેરાઈ ગઈ હતી. ત્યારબાદ તેણે ઘરે રાખેલા ક્રિકેટના લાકડાના બેટ વડે પતિ બીપીનભાઈ ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં બીપીનભાઈના ડાબા હાથ તેમજ શરીરના ભાગે પાંચથી છ ઘા મારવામાં આવ્યા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. ફરિયાદ મુજબ, હુમલા દરમિયાન પત્નીએ ગાળો આપી ભવિષ્યમાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાના પગલે સિટી “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાનુબેન કરમુર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા -2023ની કલમ 115(2), 351(3), 352 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →