જામનગરમાં રિસોર્ટ આગ બાદ તંત્ર સક્રિય:એક સપ્તાહમાં 18 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, સુરક્ષા ચકાસણી ચાલુ
જામનગર મહાનગરપાલિકાએ શહેર અને હાઈવે પર આવેલી 18 હોટલ-રેસ્ટોરન્ટને સીલ કરી છે. જામનગર નજીક રિસોર્ટમાં લાગેલી આગની ઘટના બાદ તંત્ર સક્રિય બન્યું છે અને ફાયર એનઓસી, બીયુ પરમિશન તથા સુરક્ષા સાધનોની ચકાસણીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એક સપ્તાહ પૂર્વે રણજીતસાગર રોડ વિસ્તારમાં એક રિસોર્ટમાં ભયાનક આગ લાગી હતી. આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે સુનિશ્ચિત કરવા, ખાસ કરીને ઉનાળાની સિઝનને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકાએ આ વિશેષ ચકાસણી અભિયાન શરૂ કર્યું છે. જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી ફાયર શાખા, એસ્ટેટ શાખા, ટીપીઓ બ્રાન્ચ અને સંબંધિત વિભાગોના પંદરથી વધુ અધિકારીઓ-કર્મચારીઓની સંયુક્ત ટીમે છેલ્લા એક સપ્તાહથી સતત સર્વે અને ચકાસણી હાથ ધરી છે. આ અભિયાન અંતર્ગત ફાયર એનઓસી, બીયુ સર્ટિફિકેટ, ઇમરજન્સી એક્ઝિટ, અગ્નિશામક સાધનો, સુરક્ષા વ્યવસ્થા અને બિલ્ડિંગ નિયમોના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. કુલ ૪૦ હોટલ-રેસ્ટોરન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ કરાયેલા 40 સ્થળો પૈકી 23 જગ્યાએ જરૂરી સુવિધાઓ અને દસ્તાવેજો યોગ્ય જણાયા હતા. જોકે, બાકીના 18 હોટલ અને રેસ્ટોરન્ટમાં સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ, ફાયર એનઓસીનો અભાવ અથવા જરૂરી મંજૂરીઓ ન હોવાને કારણે મહાનગરપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી કરી છે. ફાયર શાખાના અધિકારી અનવર ગજ્જણ અને તેમની ટીમ દ્વારા આ સમગ્ર કાર્યવાહીનું સંકલન કરવામાં આવી રહ્યું છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે લોકોની સલામતીને પ્રાથમિકતા આપીને આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચકાસણી અને કાર્યવાહી સતત ચાલુ રહેશે. દરમિયાન, સીલ કરાયેલી 10 હોટલના સંચાલકોએ ફાયર સિસ્ટમ વગેરેની કામગીરી કરાવવા માટે સીલ ખોલી આપવાની માંગણી કરી હતી. મહાનગરપાલિકાએ રૂપિયા 300ના સ્ટેમ્પ પેપર પર કરાર કરીને આવી 10 હોટલોના સીલ કામચલાઉ ધોરણે ખોલી આપ્યા છે.
Read Original Article →