જામનગર જી.જી. હોસ્પિટલ સામે હુમલાનો વીડિયો વાઈરલ:4 આરોપી ઝડપાયા, સીટી-બી પોલીસે જૂની અદાવતનો ભેદ ઉકેલ્યો
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે થયેલા હુમલાના વાયરલ વીડિયો બાદ સીટી-બી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં સંડોવાયેલા આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યા છે. થોડા દિવસો અગાઉ રાત્રિના સમયે જામનગર શહેરની સરકારી જી.જી. હોસ્પિટલ સામે જાહેરમાં મારામારી અને હુમલાનો બનાવ બન્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સીટી-બી ડિવિઝન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. પોલીસે વાયરલ વીડિયો, સ્થાનિક લોકોના નિવેદનો અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે હુમલામાં સંડોવાયેલા ચારેય આરોપીઓને શોધી કાઢી ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારો પણ કબજે કરવામાં આવ્યા છે. સિટી-બી ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધી જયદીપસિંહ ઉર્ફે બંદુક મહીપતસિંહ જાડેજા (રહે. રામેશ્વરનગર રાંદલનગર, જામનગર), હાર્દીપસિંહ ઉર્ફે હદુભા ઉર્ફે હાર્દીક હરદેવસિંહ ઝાલા (રહે. ખોડીયાર કોલોની, જામનગર), વિવેક ઉર્ફે વીકી ગોપાલભાઈ કાપડી (રહે. તિરુપતી સ્વામીનારાયણ વિસ્તાર, જામનગર) અને પુષ્પરાજસિંહ બળભદ્રસિંહ જાડેજા (રહે. નવાગામ ઘેડ વિસ્તાર, જામનગર)ની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જૂની અદાવત અને બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા જાહેરમાં આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે ચારેય આરોપી સામે જીવલેણ હુમલો, મારામારી અને જાહેર શાંતિ ભંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જાહેરમાં દાદાગીરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
Read Original Article →