જામનગર હાઈવે પર ઇકો કાર-રિક્ષા અકસ્માત:એક જ પરિવારના સાત સભ્યોને ગંભીર ઈજા
જામનગર નજીક વિજરખી ડેમ પાસે કાલાવડ-જામનગર હાઈવે પર ઇકો કાર અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના સાત સભ્યોને ઈજા પહોંચી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસે ઇકો કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી સોહિલ બશીરભાઈ બ્લોચ (ઉ.વ. 36), રહે. લીમડા લાઇન, મકરાણી પાડો, જામનગર, દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 21 મે, 2026ના રોજ બની હતી. તેઓ પોતાના પરિવાર સાથે જૂનાગઢથી દરગાહે દર્શન કરીને રિક્ષા નંબર GJ 10 TZ 5741માં જામનગર પરત ફરી રહ્યા હતા. વીજરખી ડેમ નજીક કાલાવડ-જામનગર હાઈવે રોડ પર સામેથી આવતી ઇકો કાર નંબર GJ 10 DF 0249ના ચાલકે ખોટી સાઇડમાં આવી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક વાહન હંકારી રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ફરિયાદી સોહિલ બ્લોચને બંને પગમાં ગંભીર ઈજા અને છાતીના ભાગે ઈજા થઈ હતી. તેમની પત્ની ફિરદોષને ડાબા હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. દીકરી આફીયાને હાથ, પગ અને માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી, જ્યારે દીકરી માલિયાને શરીરે છોલાછોલ અને પગમાં ફ્રેક્ચર થયું હતું. દીકરા ફરહાનને જમણી આંખ પાસે સામાન્ય ઈજા પહોંચી હતી. આ ઉપરાંત, ફરિયાદીના ફઈ રજીયાબેન અને અરવા એજાજભાઈને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે કાર ચાલક સામે BNS કલમ 281, 125(A), 125(B) તેમજ મોટર વાહન અધિનિયમ કલમ 177, 184 અને 134 મુજબ ગુનો નોંધી ફરાર ઇકો કાર ચાલકને શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →