જામનગર GSECL માં ભૂકંપ મોકડ્રિલ યોજાઈ:7.2ની તીવ્રતાના ભૂકંપનો સામનો કરવાની તૈયારી ચકાસાઈ
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ સિક્કા, જામનગરમાં આવેલ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) ખાતે ભૂકંપ અંગેની મેગા મોકડ્રિલનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો હેતુ આપત્તિ સમયે ત્વરિત અને અસરકારક પ્રતિસાદ સુનિશ્ચિત કરવાનો હતો. આ મોકડ્રિલમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવવાની કલ્પના કરવામાં આવી હતી, જેનું કેન્દ્રબિંદુ કચ્છના અખાતમાં નોંધાયું હતું. ભૂકંપના કારણે કારીગરોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.કલ્પિત પરિસ્થિતિમાં 11 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અન્ય લોકોનું પણ મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.આ મોકડ્રિલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચે સંકલન, બચાવ કામગીરીની તૈયારીઓ અને આપત્તિ સમયે ઉપલબ્ધ સંસાધનોની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો.મોકડ્રિલ દરમિયાન ભૂકંપની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી, જેમાં રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં નુકસાન, લોકો ઘાયલ થવા તેમજ ઇમારતોમાં લોકો ફસાઈ જવાની ઘટનાઓ દર્શાવવામાં આવી હતી. પરિસ્થિતિને અનુરૂપ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ વિભાગ, અગ્નિશામક દળ, આરોગ્ય વિભાગ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (SDRF), ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ તેમજ સ્વયંસેવક સંસ્થાઓએ સક્રિય ભાગ લીધો હતો.બચાવ ટીમોએ ઘાયલોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર પૂરી પાડવા, ફસાયેલા લોકોને બહાર કાઢવા તથા જોખમગ્રસ્ત વિસ્તારોને સુરક્ષિત કરવાની કામગીરીનું જીવંત પ્રદર્શન કર્યું હતું. મોકડ્રિલ દરમિયાન ઇન્સિડન્ટ કમાન્ડ સિસ્ટમ (ICS) અંતર્ગત વિવિધ વિભાગો વચ્ચે સંકલન અને સંચાર વ્યવસ્થાની પણ ચકાસણી કરવામાં આવી હતી. ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કરીને વિવિધ ટીમોને જરૂરી માર્ગદર્શન અપાયું હતું. મોકડ્રિલ બાદ તમામ વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ભવિષ્યમાં આપત્તિ પ્રતિસાદ વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવા માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. નાગરિકોને પણ ભૂકંપ જેવી કુદરતી આપત્તિ સમયે સલામતીના નિયમો અને સાવચેતીઓ અંગે જાગૃત કરાયા હતા. ઇન્સિડન્ટ કમાન્ડન્ટ ઓફિસર બ્રિજેશ કાલરીયાએ જણાવ્યું હતું કે, આવી મોકડ્રિલ્સ દ્વારા આપત્તિ સમયે પડકારોનો સામનો કરવાની ક્ષમતા વધે છે, કર્મચારીઓમાં આત્મવિશ્વાસ વિકસે છે અને જનસુરક્ષા માટે જરૂરી તૈયારીઓ વધુ મજબૂત બને છે. તેમણે ઉમેર્યું કે આપત્તિ વ્યવસ્થાપન માટેની તૈયારીઓ એક સતત પ્રક્રિયા છે અને આવી તાલીમાત્મક પ્રવૃત્તિઓ નિયમિતપણે યોજાતી રહેશે.આ મોકડ્રિલમાં GSECL ના અધિકારીઓ, જામનગર જિલ્લા વહીવટી તંત્રના સંલગ્ન વિભાગની ટીમો અને લગત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →