જામનગર GG હોસ્પિટલમાં નવી ABHA કેસ પ્રણાલી લાગુ:ટોકનથી કેસ કાઢવામાં વિલંબ, દર્દીઓ અને સગાઓ પરેશાન

Gujarat5/26/2026, 11:53:29 AM
જામનગર GG હોસ્પિટલમાં નવી ABHA કેસ પ્રણાલી લાગુ:ટોકનથી કેસ કાઢવામાં વિલંબ, દર્દીઓ અને સગાઓ પરેશાન
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં નવી ABHA (આભા) આધારિત ટોકન કેસ પ્રણાલી શરૂ થતાં ભારે અવ્યવસ્થા સર્જાઈ હતી. કેસ કઢાવવા માટે દર્દીઓ અને તેમના સગાઓને લાંબી કતારોમાં ઊભા રહેવું પડ્યું હતું, જેના કારણે હોબાળો થયો હતો. હોસ્પિટલ તંત્ર દ્વારા ABHA પદ્ધતિ હેઠળ મોબાઈલ દ્વારા નોંધણી કરાવી કેસ કાઢવાની નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. જોકે, આ નવી પ્રણાલીને કારણે એક કેસ કાઢવામાં ઘણો સમય લાગી રહ્યો હોવાનું દર્દીઓએ જણાવ્યું હતું. અગાઉ જી.જી. હોસ્પિટલમાં અંદાજે ૪૫ સેકન્ડમાં એક કેસ નીકળી જતો હતો, જ્યારે નવી પદ્ધતિથી પ્રક્રિયા અત્યંત ધીમી પડી ગઈ છે. હોસ્પિટલમાં મોબાઈલ નેટવર્કની સમસ્યા પણ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. ઘણા દર્દીઓ અથવા તેમના સગાઓ પાસે મોબાઈલ ફોન ન હોવાથી પણ મુશ્કેલીઓ વધી છે. ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓને વ્હીલચેર અને સ્ટ્રેચર પર લાંબા સમય સુધી રાહ જોવી પડતાં દર્દીઓ અને તેમના પરિવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે લાંબી કતારો અને ભારે ભીડને કારણે દર્દીઓ અને સગાઓ હાલાકી ભોગવી રહ્યા છે. હોસ્પિટલના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવેલા સ્કેનર પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, જી.જી. હોસ્પિટલમાં અગાઉ જેટલા સમયમાં 400થી વધુ દર્દીઓના કેસ નીકળતા હતા, તેટલા જ સમયગાળામાં નવી પદ્ધતિ શરૂ થયા બાદ માત્ર ૫૦ જેટલા કેસ પણ નીકળી શકતા નથી. આના કારણે દર્દીઓમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. દર્દીઓ અને તેમના સગાઓ દ્વારા હોસ્પિટલ તંત્રને આ નવી પ્રણાલીને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે જરૂરી સુધારા કરવાની માંગ કરવામાં આવી રહી છે.
Read Original Article →