જામનગરમાં 23 કૃત્રિમ વોટરપોઈન્ટ વન્યજીવો માટે આશીર્વાદરૂપ:વન વિભાગે સોલાર પંપ, કેમેરાથી પ્રાણીઓનું જતન કર્યું

Gujarat5/16/2026, 7:25:50 AM
જામનગરમાં 23 કૃત્રિમ વોટરપોઈન્ટ વન્યજીવો માટે આશીર્વાદરૂપ:વન વિભાગે સોલાર પંપ, કેમેરાથી પ્રાણીઓનું જતન કર્યું
જામનગર વન વિભાગે ઉનાળાની કાળઝાળ ગરમીમાં વન્યજીવોની તરસ છિપાવવા માટે સંવેદનશીલ પહેલ કરી છે. વિભાગ દ્વારા કુલ 23 કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જે વન્યજીવો માટે જીવનદાયી સાબિત થઈ રહ્યા છે. વન વિભાગના કાર્યક્ષેત્ર હેઠળના વિવિધ વિસ્તારોમાં આ વોટરપોઈન્ટ્સ બનાવવામાં આવ્યા છે. પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ક્ષેત્રીય સ્ટાફ રાત-દિવસ દેખરેખ રાખે છે. સોલાર વોટર પંપ, પાણીના ટેન્કર અને ડંકી જેવા આધુનિક તેમજ પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે વન્યજીવોને પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવું પડતું નથી. વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગે વોટરપોઈન્ટ્સ પર ટ્રેપ કેમેરા પણ ઇન્સ્ટોલ કર્યા છે. આ કેમેરાના ફૂટેજમાં દીપડા, રાષ્ટ્રીય પક્ષી મોર, હરણ અને નીલગાય જેવા પ્રાણીઓ નિર્ભય બનીને પાણી પીતા જોવા મળ્યા છે. આ દ્રશ્યો વન્યજીવ સંરક્ષણ કામગીરીની અસરકારકતા દર્શાવે છે. વન્યજીવ સંરક્ષણ અને જૈવ-વૈવિધ્યની જાળવણી એ જામનગર વન વિભાગની પ્રાથમિકતા છે. વિભાગ દ્વારા આવી પ્રકૃતિલક્ષી કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.
Read Original Article →