જામનગર મનપાની ફાયર ટીમનો 3 દિવસમાં સપાટો:ફાયર સેફ્ટી ભંગ બદલ 15 હોટલ અને રેસ્ટોરાં સીલ, હાઈવે પર અગાઉ સીલ થયેલા 5 એકમોને ફરી તાળાં મરાયા

Gujarat6/7/2026, 7:29:08 AM
જામનગર મનપાની ફાયર ટીમનો 3 દિવસમાં સપાટો:ફાયર સેફ્ટી ભંગ બદલ 15 હોટલ અને રેસ્ટોરાં સીલ, હાઈવે પર અગાઉ સીલ થયેલા 5 એકમોને ફરી તાળાં મરાયા
જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટી નિયમોના ભંગ બદલ છેલ્લા ત્રણ દિવસમાં શહેરના 15 હોટલ અને રેસ્ટોરાં સીલ કર્યા છે. હાઈવે વિસ્તારમાં અગાઉ સીલ કરાયેલા 5 એકમોને પણ ફરીથી તાળાં મારી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ વિના ચાલતા વ્યાવસાયિક એકમો સામે કરવામાં આવી રહી છે. આ અભિયાન નવનિયુક્ત કમિશનર દીપેશ કેડિયા અને ફાયર બ્રિગેડ શાખાના ઇન્ચાર્જ અધિકારી ભાવેશ જાનીના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. આ સઘન તપાસ અભિયાન છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યું છે, જેમાં ફાયર વિભાગ, ટીપીઓ શાખા અને એસ્ટેટ શાખા સહિતની ટીમો સંયુક્ત રીતે કાર્યરત છે. અભિયાનના પ્રથમ તબક્કામાં હાઈવે પરના અંદાજે 85 હોટલ અને રેસ્ટોરાંની ચકાસણી કરવામાં આવી હતી. તેમાંથી 24 એકમોમાં ફાયર એનઓસી ન હોવા અથવા તેની મુદત પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાતા તેમને સીલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, સંચાલકો પાસેથી રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર લેખિત બાંહેધરી મેળવી, ફાયર એનઓસી મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની શરતે આ એકમોને ફરી શરૂ કરવાની મંજૂરી અપાઈ હતી અને 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. સમયમર્યાદા પૂર્ણ થતાં ફરી તપાસ કરાતા, પાંચ હોટલ-રેસ્ટોરાંમાં કોઈ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાથી તેમને ફરીથી સીલ કરી દેવાયા છે. અન્ય એકમોમાં કાર્યવાહી ચાલુ છે. હાઈવે વિસ્તાર બાદ હવે શહેરના મધ્ય વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે. છેલ્લા ત્રણ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 35થી વધુ હોટલ-રેસ્ટોરાંની ચકાસણી કરાઈ હતી. આ તપાસ દરમિયાન 15 હોટલ-રેસ્ટોરાંમાં ફાયર એનઓસી અને અન્ય જરૂરી મંજૂરીઓનો અભાવ જણાતા તેમને સીલ કરવામાં આવ્યા હતા. જોકે, આ 15 એકમોના સંચાલકો પાસેથી પણ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરીપત્ર મેળવી,ફાયર એનઓસી તથા બીયુ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરવાની શરતે તેમને ફરીથી કામગીરી શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.આ માટે તેમને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તેમણે જરૂરી મંજૂરીઓ મેળવવી અથવા તેની પ્રક્રિયા શરૂ કરવી ફરજિયાત રહેશે. મહાનગરપાલિકાની ફાયર શાખાના અધિકારી અનવર ગજ્જણે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી માત્ર એક વખત પૂરતી મર્યાદિત નથી,પરંતુ શહેર અને હાઈવે વિસ્તારના તમામ વ્યાવસાયિક એકમોમાં ફાયર સેફ્ટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે સતત અને અવિરત ધોરણે ચાલુ રહેશે. આગામી દિવસોમાં ફરીથી ચેકિંગ હાથ ધરવામાં આવશે અને જો કોઈ સ્થળે ફાયર સેફ્ટી નિયમો, ફાયર એનઓસી અથવા બીયુ સર્ટિફિકેટ સંબંધિત ખામીઓ જોવા મળશે,તો આવા એકમો સામે ફરીથી સીલ કરવા સહિતની કડક કાર્યવાહી કરવામાં આવશે.
Read Original Article →