જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઈટની આગ કાબૂમાં:ફાયર બ્રિગેડે 700 મીટર પાઇપલાઇન લંબાવી, આગ પર કાબૂ મેળવ્યો

Gujarat5/25/2026, 9:48:20 AM
જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઈટની આગ કાબૂમાં:ફાયર બ્રિગેડે 700 મીટર પાઇપલાઇન લંબાવી, આગ પર કાબૂ મેળવ્યો
જામનગરના ગુલાબનગર ડમ્પિંગ સાઈઠમાં લાગેલી ભીષણ આગ પર આખરે ફાયર બ્રિગેડે લાંબી જહેમત બાદ કાબૂ મેળવી લીધો છે. આગની ગંભીરતાને જોતાં ફાયર બ્રિગેડે એક ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો, જેના ભાગરૂપે 700 મીટર લાંબી પાઇપલાઇન બિછાવીને સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. શરૂઆતી પડકારો અને રણનીતિમાં બદલાવ આગ લાગવાની પ્રાથમિક માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શરૂઆતમાં પાણીના ટેન્કરો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, આગ ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાઈ ચૂકી હોવાથી અને સતત મોટા જથ્થામાં પાણીની જરૂરિયાત ઊભી થતાં ફાયર વિભાગે તાત્કાલિક નવી રણનીતિ અપનાવી હતી. 700 મીટર લાંબી પાઇપલાઇનનું આયોજન ફાયર બ્રિગેડે ઘટનાસ્થળથી 700 મીટર દૂર આવેલા પાણીના ટાંકા પરથી સીધું પાણી મેળવવાનું આયોજન કર્યું હતું. આ માટે ટાંકાથી લઈને ડમ્પિંગ સાઇટ સુધી એક લાંબી લાઇન લંબાવવામાં આવી હતી. પાણીના ટાંકા પાસે એક ફાયર ફાઇટર વાહન ગોઠવીને તેના દ્વારા પાઇપલાઇનમાં હાઇ પ્રેશરથી પાણી છોડવાનું શરૂ કરાયું હતું. રેલવે ટ્રેક અને ઓવરબ્રિજ નીચેથી પસાર કરાઈ લાઇન આ પાઇપલાઇનને માર્ગમાં આવતા રેલવે ટ્રેક અને ઓવરબ્રિજ નીચેથી કુશળતાપૂર્વક પસાર કરવામાં આવી હતી. પાણીનું પ્રેશર જળવાઈ રહે તે માટે અંતરના મધ્ય ભાગમાં વધુ એક ટેન્કર ગોઠવવામાં આવ્યું હતું. આ ટેન્કરમાં પાણી ઠાલવ્યા બાદ ફરીથી નવું પ્રેશર આપીને પાણીને આગળ ડમ્પિંગ સાઇટ તરફ ધકેલવામાં આવતું હતું. ત્રણ દિશામાંથી મારો ચલાવી આગ પર મેળવાયો કાબૂ પાણી જ્યારે ડમ્પિંગ સાઇટ પર પહોંચ્યું, ત્યારે મુખ્ય પાઇપલાઇનમાંથી 3 અલગ-અલગ ફાટા (જોડાણ) પાડવામાં આવ્યા હતા. આ ત્રણેય દિશામાંથી એકસાથે પાણીનો ભારે મારો ચલાવીને આગને આગળ વધતી અટકાવી લેવાઈ હતી અને આખરે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઓપરેશન પૂર્વનિર્ધારિત પ્લાન અને નકશા મુજબ ખૂબ જ વ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું.
Read Original Article →