ગુજસીટોક આરોપીએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમેદવારી નોંધાવી:જામનગર મહાનગરપાલિકા ચૂંટણી: વોર્ડ 12 બન્યું ચર્ચાનું કેન્દ્ર
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજસીટોકના ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી અસલમ ખીલજીએ આજે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જામનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે, જ્યાં કોઈ ઉમેદવારે પોલીસ જાપતા હેઠળ ફોર્મ ભર્યું હોય. અસલમ ખીલજી ગુજસીટોક હેઠળના કેસમાં આરોપી છે અને હાલ જેલમાં છે. તેમણે કલેક્ટર કચેરી ખાતે વોર્ડ નંબર 12માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ દ્રશ્ય જોઈને કલેક્ટર કચેરી અને આસપાસના વિસ્તારોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. આમ આદમી પાર્ટી (AAP) એ વોર્ડ નંબર 12માંથી પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. અસલમ ખીલજી ઉપરાંત, એડવોકેટ જેનબબેન ખફી અને હાજી રિઝવાને પણ આજે વિધિવત રીતે ઉમેદવારી પત્રો ભર્યા હતા. વોર્ડ નંબર 12 હંમેશાથી જામનગરના રાજકારણનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ગુજસીટોકના આરોપીની એન્ટ્રી અને કાયદાકીય પ્રક્રિયા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાતા આ વોર્ડનો ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. હવે મતદારો કોના પર પસંદગી ઉતારે છે તે જોવું રહ્યું.
Read Original Article →