કલેકટર પી.બી. પંડ્યાએ ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરી:સ્ટ્રોંગરૂમ પર CCTV, મતદાન જાગૃતિ વધારવા સૂચના આપી
જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ માટે જિલ્લા કલેકટર પી.બી. પંડ્યાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા સ્ટ્રોંગરૂમ પર સીસીટીવી મોનિટરિંગ અને મત વિસ્તારોમાં મતદાન જાગૃતિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કલેકટરે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની સ્થિતિ, ઝોનલ રૂટની કામગીરી, તેમજ રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરોની વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી હતી. સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રો ખાતેની પૂર્વ તૈયારીઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમણે સર્વિસ વોટર્સ માટેની કામગીરી, પોલિંગ અને કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક તથા તેમની તાલીમ પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ચૂંટણીલક્ષી સામગ્રીની ઉપલબ્ધતા અને પોલિંગ સ્ટાફ, પ્રિસાઇડિંગ ઓફિસર, પોલીસ તેમજ હોમગાર્ડ સ્ટાફના પોસ્ટલ બેલેટ અંગે પણ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ હતી. વધુમાં, કલેકટરે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ઈ.વી.એમ. નિદર્શન યોજવા અને મતદાન મથકોનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા જણાવ્યું હતું. સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિની પ્રવૃત્તિઓ વેગવંતી બને તે માટે નોડલ અધિકારીઓને માર્ગદર્શન અપાયું. ગ્રામીણ વિસ્તારોમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ પ્રવૃત્તિઓ હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર એસ.એમ. કાથડ સહિત મતદાર યાદી, પોલિંગ સ્ટાફ, ઈ.વી.એમ., ચૂંટણીલક્ષી તાલીમ, આચારસંહિતા, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ચૂંટણી ખર્ચ દેખરેખ, મતદાર જાગૃતિ, વાહન સંપાદન, પ્રચાર પ્રસાર, કોમ્પ્યુટરાઈઝેશન અને મતગણતરી કેન્દ્ર જેવી વિવિધ જવાબદારીઓ સંભાળતા નોડલ તથા ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →