જામનગરમાં યુવકે શ્વાનને માર મારી બિલ્ડિંગના પહેલા માળેથી ફેંકી દીધો:જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ, આરોપી સામે કડક કાર્યવાહીની માંગ
જામનગર શહેરમાં પશુઓ પ્રત્યે ક્રૂરતાનો એક કિસ્સો સામે આવ્યો છે. સંત કબીર આવાસ વિસ્તારમાં એક શખસે શ્વાનને પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. જેથી શ્વાનને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, આવાસ વિસ્તારમાં રહેતા પપ્પુ નામના વ્યક્તિએ એક શ્વાનને બેરહેમીથી માર માર્યો હતો. ત્યારબાદ શ્વાનને ઇમારતના પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. ઊંચાઈ પરથી પટકાવાને કારણે શ્વાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ આ દ્રશ્ય જોતા તાત્કાલિક જીવદયા પ્રેમીઓનો સંપર્ક કર્યો હતો અને ઘાયલ શ્વાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ જામનગરની 'દર્શના એનિમલ વેલફેર' સંસ્થાના કાર્યકરો સક્રિય થયા હતા. સંસ્થાના પ્રતિનિધિ આકાશ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપી પપ્પુ અગાઉ પણ આવા કૃત્યો કરી ચૂક્યો છે. બે દિવસ પહેલા જ તેણે એક ગલુડિયાને માર મારી તેનો પગ ભાંગી નાખ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો. આરોપી સામે કડક કાર્યવાહીની માંગ સાથે 'દર્શના એનિમલ વેલફેર' ના કાર્યકરો અને સ્થાનિક જીવદયા પ્રેમીઓ મોટી સંખ્યામાં જામનગરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા. તેમણે પોલીસ સમક્ષ લેખિત રજૂઆત કરીને પપ્પુ સામે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી. પોલીસે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
Read Original Article →