જામનગર ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના કૌભાંડનો આરોપી જેલ હવાલે:શોભીત ગર્ગ રિમાન્ડ પૂરા, રાજ્ય સરકારે ફરજ મોકૂફ કર્યો; પોલીસ તપાસમાં બેંક ખાતા ફ્રીઝ, ચેકબુકો કબજે

Gujarat5/26/2026, 7:52:01 AM
જામનગર ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના કૌભાંડનો આરોપી જેલ હવાલે:શોભીત ગર્ગ રિમાન્ડ પૂરા, રાજ્ય સરકારે ફરજ મોકૂફ કર્યો; પોલીસ તપાસમાં બેંક ખાતા ફ્રીઝ, ચેકબુકો કબજે
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં સામે આવેલા રૂ. 1.36 કરોડથી વધુના નાણાકીય કૌભાંડ મામલે ઝડપાયેલા આરોપી શોભીત ગર્ગને 3 દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં અદાલતી પ્રક્રિયા બાદ જેલ હવાલે કરવામાં આવ્યો છે. રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી આચર્યું કૌભાંડ નેશનલ હેલ્થ મિશન હેઠળ આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગ સામે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી અલગ-અલગ સમયે ચેક મારફતે અંદાજે 15 જેટલા વ્યવહારો કરી રૂ. 1.36 કરોડથી વધુની રકમ પોતાના અંગત બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લેવાનો આરોપ છે. આ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અદાલતે આરોપીને 3 દિવસના રિમાન્ડ પર સોંપતા પોલીસે આ દરમિયાન તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. 3 બેંક ખાતા ફ્રીઝ, 10થી વધુ લોકોના નિવેદનો નોંધાયા પોલીસ તપાસ દરમિયાન આરોપી સાથે સંકળાયેલા 3 જેટલા બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલીક ચેકબુક તેમજ મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ કબજે લેવાયા છે. પોલીસે આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં 10થી વધુ વ્યક્તિઓના નિવેદનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કૌભાંડના નાણા શેરબજારમાં હોમાયાની આશંકા પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ચેક મારફતે ટ્રાન્સફર કરેલી રકમનો ઉપયોગ શેરબજાર સહિતના અન્ય રોકાણોમાં કર્યો હોવાના સંકેતો મળ્યા છે. જોકે, પોલીસને સર્ચ ઓપરેશન દરમિયાન હજુ સુધી કોઈ મોટી રોકડ રકમ હાથ લાગી નથી. હાલ પોલીસ દ્વારા તમામ નાણાકીય વ્યવહારો અને ટ્રાન્ઝેક્શન સંબંધિત મહત્વપૂર્ણ ડિજિટલ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. સેવામાંથી તાત્કાલિક અસરથી બરતરફ આ ચકચારી કૌભાંડ બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવ્યા છે. સરકારે શોભીત ગર્ગને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ કર્યો છે. આરોપી આઉટસોર્સિંગ કર્મચારી હોવાના કારણે ડેન્ટલ હોસ્પિટલના ડીન દ્વારા તેની સેવા કાયમી ધોરણે સમાપ્ત કરવાની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
Read Original Article →