જામનગર ડેન્ટલ કોલેજમાં રૂ.1.36 કરોડનું કૌભાંડ:કર્મચારી સરકારી ગ્રાન્ટના ચેકોમાં રમત રમી ગયો; બેંક સ્ટેટમેન્ટ જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા, અન્ય નામ ખુલી શકે

Gujarat5/19/2026, 4:00:18 AM
જામનગર ડેન્ટલ કોલેજમાં રૂ.1.36 કરોડનું કૌભાંડ:કર્મચારી સરકારી ગ્રાન્ટના ચેકોમાં રમત રમી ગયો; બેંક સ્ટેટમેન્ટ જોઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા, અન્ય નામ ખુલી શકે
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં નેશનલ હેલ્થ મિશન (NHM) હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા એક કર્મચારી દ્વારા રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી કરોડો રૂપિયાની ઉચાપત અને ચીટિંગ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સરકારી ગ્રાન્ટ અને દર્દીઓની સારવાર માટેના નાણામાં મોટી હેરાફેરી કરનાર કર્મચારી સામે સંસ્થાના જવાબદાર અધિકારી દ્વારા પોલીસમથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવતાં સમગ્ર વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વહીવટી સ્ટાફની અછતનો લાભ ઉઠાવી જવાબદારી મેળવી મળતી વિગતો મુજબ, જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં લાંબા સમયથી વહીવટી સ્ટાફની ભારે અછત વર્તાઈ રહી છે. આ અછતને કારણે સંસ્થાની અનેક મહત્વની નાણાકીય અને વહીવટી જવાબદારીઓ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને સોંપવાની ફરજ પડી હતી. જેમાં એન.એચ.એમ. અંતર્ગત ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગ નામના કર્મચારીને રોગી કલ્યાણ સમિતિના નાણાકીય રેકોર્ડ અને બેંક વ્યવહારો સંભાળવાની જવાબદારી લેખિતમાં સોંપવામાં આવી હતી. આ જ જવાબદારીનો દુરુપયોગ કરીને આરોપીએ કૌભાંડને અંજામ આપ્યો હતો. બેંક મેનેજરની સતર્કતાથી કૌભાંડનો ભાંડો ફૂટ્યો સમગ્ર મામલો ગત તા. 16 મે, 2026ના રોજ પ્રકાશમાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલના ડો. કણસાગરાને બેંક મેનેજર દ્વારા એક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી આપવામાં આવી હતી. મેનેજરે જણાવ્યું હતું કે, ડેન્ટલ કોલેજના રોગી કલ્યાણ સમિતિના ચેક મારફતે શોભીત ગર્ગ નામના કર્મચારીના વ્યક્તિગત બેંક ખાતામાં લાખો રૂપિયાની રકમ જમા થઈ રહી છે. આ ચોંકાવનારી માહિતી મળતા જ ડો. કણસાગરાએ તુરંત ડેન્ટલ કોલેજના ડીનને ફોન દ્વારા આ અંગે વાકેફ કર્યા હતા. ડીન દ્વારા તાત્કાલિક ધોરણે રોગી કલ્યાણ સમિતિના સભ્યો અને અન્ય ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી પ્રાથમિક તપાસનો દોર શરૂ કર્યો હતો. પ્રાથમિક પૂછપરછ અને બેંક સ્ટેટમેન્ટે ખોલી પોલ પ્રાથમિક તપાસ દરમિયાન જ્યારે શોભીત ગર્ગને બોલાવીને આ નાણાકીય વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી, ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેના કારણે અધિકારીઓની શંકા વધુ દ્રઢ બની હતી. ત્યાર બાદ સંસ્થા દ્વારા તાકીદે રોગી કલ્યાણ સમિતિના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનું સ્ટેટમેન્ટ કઢાવીને બારીકાઈથી ચકાસવામાં આવ્યું હતું. બેંક સ્ટેટમેન્ટની તપાસ કરતા જ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. છેલ્લા છ માસના ગાળા દરમિયાન કુલ 15 ચેક મારફતે રૂ. 1,36,19,350 (એક કરોડ છત્રીસ લાખ ઓગણીસ હજાર ત્રણસો પચાસ) જેટલી મોટી રકમ શોભીત ગર્ગના બેંક ઓફ ઇન્ડિયાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું હતું. ચેકની રકમોમાં ફેરફાર કરીને આચરાયું કૌભાંડ તપાસમાં ખુલેલી વિગતો મુજબ, આરોપી કર્મચારી દ્વારા અલગ-અલગ તારીખે રૂ. 46 હજારથી લઈને છેક રૂ. 28.55 લાખ સુધીની મોટી રકમો પોતાના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ખાસ કરીને માર્ચ અને એપ્રિલ મહિનામાં ખૂબ જ ટૂંકાગાળામાં મોટી રકમો સેરવી લેવામાં આવી હતી, જેની વિગતો નીચે મુજબ છે: આરોપ છે કે, દર્દીઓની સારવાર તેમજ આઉટસોર્સિંગથી કામ કરતા કર્મચારીઓના પગાર ચૂકવવા માટે ગાંધીનગરથી જે સરકારી ગ્રાન્ટ મળતી હતી, તેના ચેકોમાં આરોપીએ કથિત રીતે ચેડાં કર્યા હતા. ચેકની મૂળ રકમ અને વિગતોમાં ફેરફાર કરીને (ચેક ટેમ્પરિંગ) આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આરોપીએ પોતાના હોદ્દા અને વિશ્વાસનો દુરુપયોગ કરી સરકાર સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી. 'છેલ્લા 3 મહિનામાં ચેકમાં છેડછાડ કરી ખોટા ટ્રાન્ઝેક્શન કરાયા' : હોસ્પિટલ ડીન ડૉ. નયના પટેલ આ ગંભીર કૌભાંડ અંગે ડેન્ટલ કોલેજ હોસ્પિટલના ડીન ડૉ. નયના પટેલે જણાવ્યું હતું કે, અમારી હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે 'રોગી કલ્યાણ સમિતિ' કાર્યરત છે, જેમાં સરકાર દ્વારા ફંડ અપાય છે. આ સમિતિના રેકોર્ડ કીપિંગની જવાબદારી કોન્ટ્રાક્ટ કર્મચારી શોભિત ગર્ગ પાસે હતી. છેલ્લા ત્રણ મહિનામાં મારી જાણ બહાર, ચેકમાં છેડછાડ કરીને ઘણા ખોટા ટ્રાન્ઝેક્શન કરાયા છે. આ બાબત સામે આવતા જ અમે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચેક પરની સહીઓ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે ઉમેર્યું કે, રોગી કલ્યાણ સમિતિમાં અધ્યક્ષ તરીકે સહી કરવાની સત્તા મારી હોય છે. અગાઉ સાચા બિલો સાથે સહીઓ લેવાઈ હતી, પરંતુ ત્યાર બાદ કામના ભારણનો લાભ ઉઠાવીને અથવા વિશ્વાસઘાત કરીને ચેકોમાં છેડછાડ થઈ હોવાની આશંકા છે. આ તમામ સહીઓ ખરેખર મારી જ છે કે કેમ, તે બેંકની વિગતો આવ્યા બાદ અને પોલીસ તપાસમાં જ સ્પષ્ટ થશે. મામલો પોલીસમથકે પહોંચ્યો, વધુ તપાસ ચાલુ આ સમગ્ર કરોડો રૂપિયાના નાણાકીય કૌભાંડ અંગે ડેન્ટલ કોલેજમાં ટ્યુટર વર્ગ-2 તરીકે ફરજ બજાવતા ડો. સંજય વલ્લભદાસભાઈ ઉમરાણીયાએ સત્તાવાર રીતે પોલીસ મથકમાં શોભીત ગર્ગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનાહિત વિશ્વાસઘાત, છેતરપિંડી અને દસ્તાવેજોમાં ચેડાં કરવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કૌભાંડમાં માત્ર શોભીત એકલો જ સામેલ છે કે સંસ્થાના અન્ય કોઈ આંતરિક કર્મચારી કે અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે, તે દિશામાં પણ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. જો તપાસમાં અન્ય કોઈના નામ ખુલશે તો તેમની સામે પણ કડક કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.
Read Original Article →