જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: આરોપી 3 દિવસના રિમાન્ડ પર:1.36 કરોડના 15 ટ્રાન્ઝેક્શન, પોલીસે 2 બેંક ખાતા ફ્રીઝ કર્યા

Gujarat5/21/2026, 7:44:18 AM
જામનગર ડેન્ટલ કોલેજ ચેક કૌભાંડ: આરોપી 3 દિવસના રિમાન્ડ પર:1.36 કરોડના 15 ટ્રાન્ઝેક્શન, પોલીસે 2 બેંક ખાતા ફ્રીઝ કર્યા
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ₹1.36 કરોડથી વધુના ચેક કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે આ મામલે આરોપી શોભીત ગર્ગની ધરપકડ કરી તેને જામનગર કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપતા પોલીસે તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, નેશનલ હેલ્થ મિશન હેઠળ આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ફરજ બજાવતા શોભીત ગર્ગે રોગી કલ્યાણ સમિતિના ખાતામાંથી અલગ-અલગ સમયે ચેક મારફતે આશરે પંદર જેટલા ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આ રીતે તેણે ₹1 કરોડ 36 લાખથી વધુની રકમ પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આરોપીએ છેલ્લા સાત મહિનાના સમયગાળા દરમિયાન એક મહિલા તબીબનો વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ તેણે કોરા ચેકમાં સહી કરાવી તેનો દુરુપયોગ કરીને પોતાના બેંક ખાતામાં પૈસા જમા કરાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન ચેક ટ્રાન્ઝેક્શન, બેંકિંગ વ્યવહારો અને નાણાકીય દસ્તાવેજોની વિગતવાર ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીએ ટ્રાન્સફર કરાવેલી રકમનો ઉપયોગ ક્યાં કર્યો, આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ, તેમજ અન્ય કોઈ કડીઓ જોડાયેલી છે કે નહીં તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. પોલીસે હાલ આરોપીના બે બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. આ ઉપરાંત, ચેકબુકો સહિતનું કેટલાક સાહિત્ય કબજે કરી તેની પણ ઊંડાણપૂર્વક તપાસ ચલાવાઈ રહી છે. આરોપીના ઘર, બેંક લોકર અને તેની સરકારી ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રકરણની તપાસ મહિલા પીએસઆઈ એમ. એમ. મહેતા દ્વારા ચલાવવામાં આવી રહી છે.
Read Original Article →