‘અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે કરવું હોય એ કરો’:જામનગરમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન હંગામો; 40 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતી-તંત્ર વચ્ચે ઝપાઝપી

Gujarat5/14/2026, 8:05:51 AM
‘અમે અહીંથી ઉઠવાના નથી, તમારે જે કરવું હોય એ કરો’:જામનગરમાં ડિમોલેશનની કામગીરી દરમિયાન હંગામો; 40 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતી-તંત્ર વચ્ચે ઝપાઝપી
જામનગર મહાનગરપાલિકા (JMC) દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ઝુંબેશ હેઠળ આજે જડેશ્વર પાર્ક વિસ્તારમાં હાથ ધરવામાં આવેલી ડિમોલિશનની કામગીરીએ રણમેદાન જેવું સ્વરૂપ ધારણ કર્યું હતું. અંદાજે ₹3.5 કરોડની બજાર કિંમત ધરાવતી 8 હજાર ફૂટ જમીન ખુલ્લી કરાવવા ગયેલા તંત્રને સ્થાનિકોના ભારે વિરોધ અને આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને 40 વર્ષથી રહેતા એક વૃદ્ધ દંપતી અને પોલીસ વચ્ચે થયેલી ઝપાઝપીએ સમગ્ર વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી. કરોડોની જમીન પર ચાલ્યું બુલડોઝર મનપાની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલી આ કામગીરીમાં કુલ 6 પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જેમાં: તંત્રના મતે આ તમામ દબાણો ગેરકાયદેસર હતા, જે અંતર્ગત 7 થી 8 હજાર ચોરસ ફૂટની જગ્યા ખાલી કરાવી અંદાજે 3.5 કરોડની મિલકત જપ્ત કરવામાં આવી હતી. વૃદ્ધાનું આક્રંદ: "પીંછડા ફાડીને ઘર બનાવ્યું હતું" ડિમોલિશન દરમિયાન સૌથી હૃદયદ્રાવક દૃશ્યો નંદુબેન નામના વૃદ્ધાના ઘર પાસે જોવા મળ્યા હતા. છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં રહેતા નંદુબેને રડતી આંખે જણાવ્યું કે, આ પ્લોટ અમે 35-40 વર્ષ પહેલાં શાંતિલાલ નામના વ્યક્તિ પાસેથી લીધો હતો. ત્યારે અહીં માત્ર વેરાન ખેતરો હતા. અમે મજૂરી કરી, પીંછડા અને ડોકા ફાડીને એક-એક રૂપિયો ભેગો કરી આ ઘર બનાવ્યું હતું. નંદુબેને વધુમાં ઉમેર્યું કે 9 વર્ષ પહેલાં તેમના પુત્રનું અવસાન થયું છે અને હવે પરિવારમાં બે નાના પૌત્ર, પુત્રવધૂ અને તેઓ વૃદ્ધ દંપતી જ છે. તંત્રએ અમને પૂરતી જાણ કર્યા વગર અચાનક આવીને ઘર ખાલી કરવા ધમકાવ્યા. આ ઉંમરે હવે અમે ક્યાં જઈએ? અમારું કોઈ નથી, મારે તો હવે મરવું છે, તેવા શબ્દો સાથે તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. પોલીસ સાથે ઝપાઝપી અને અટકાયત જ્યારે જેસીબી મશીન મકાન તોડવા આગળ વધ્યું ત્યારે વૃદ્ધ દંપતી મશીન સામે આડા સૂઈ ગયા હતા અને 'અમે અહીંથી ઉઠવાના નથી' તેવી જીદ પકડી હતી. સ્થિતિ વણસતા મહિલા પોલીસ અને નંદુબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. અંતે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે વૃદ્ધાની અટકાયત (ડિટેઇન) કરી તેમને સ્થળ પરથી હટાવ્યા હતા. સ્થાનિકોમાં ભારે રોષ અચાનક આવેલી આ આફતને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો પોતાનો ઘરવખરીનો સામાન રસ્તા પર કાઢીને લાચાર નજરે પોતાનું આજીવનનું સપનું તૂટતું જોઈ રહ્યા હતા. તંત્રની આ કામગીરીને પગલે જડેશ્વર પાર્ક વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
Read Original Article →