જામનગરમાં જોખમી મકાન પર તંત્રનું JCB ફર્યું:લીમડા લાઈનમાં આવેલા એક મકાનનું ડિમોલેશન, નોટિસ બાદ પણ જર્જરિત મકાન દૂર ન કરતા કાર્યવાહી
જામનગરમાં ચોમાસાના આગમન પૂર્વે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત અને જોખમી મકાનોને દૂર કરવાની કામગીરી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલા એક જર્જરિત મકાન પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. શહેરના બિલિયન સ્કૂલ સામે લીમડા લાઈન વિસ્તારમાં એક જૂનું અને અત્યંત જર્જરિત મકાન આવેલું હતું. આ મકાન ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ હતી, જેના કારણે રાહદારીઓ અને આસપાસના રહીશો માટે તે જોખમી બન્યું હતું. આ બાબતે અગાઉ મહાનગરપાલિકાની TPO શાખા દ્વારા મકાન માલિકને જરૂરી નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં મકાન ખાલી ન થતા કે તેને ઉતારી લેવામાં ન આવતા, તંત્ર દ્વારા કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો. આજે એસ્ટેટ શાખા અને TPO શાખાના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચ્યા હતા. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કડક સુરક્ષા વચ્ચે જેસીબી મશીન દ્વારા આ જર્જરિત મકાનને તોડી પાડીને જમીનદોસ્ત કરવામાં આવ્યું. મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી સ્થાનિકોએ રાહત અનુભવી છે. તંત્ર દ્વારા શહેરના અન્ય જર્જરિત મકાનો સામે પણ સખત કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Read Original Article →