જામનગર DDO નિશા સાયકલ પર ઓફિસ પહોંચ્યા:ઈંધણ બચાવવા નાગરિકોને અઠવાડિયામાં એક દિવસ 'નો મોટર વ્હિકલ ડે' ઉજવવાની અપીલ કરી
જામનગર જિલ્લા વિકાસ અધિકારી નિશા ચૌધરી આજે સાયકલ ચલાવીને પોતાની કચેરીએ પહોંચ્યા હતા. તેમના આ પગલાની વહીવટી વર્તુળો અને સ્થાનિક લોકોમાં પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઈંધણ બચાવવા અને પર્યાવરણ જાળવવા માટે દેશવાસીઓને અપીલ કરી હતી. આ અપીલને માન આપીને DDO નિશા ચૌધરીએ અઠવાડિયામાં એક દિવસ સાયકલ, પગપાળા કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવાનો સંકલ્પ લીધો છે. તેમણે આજે સાયકલ ચલાવીને આ પહેલની શરૂઆત કરી. આ પ્રસંગે DDOએ જામનગર જિલ્લાના નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું. તેમણે અપીલ કરી કે, 'આપણે સૌ અઠવાડિયામાં એક દિવસ 'નો મોટર વ્હિકલ ડે' તરીકે ઉજવીએ. તે દિવસે વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળીને સાયકલ, પગપાળા કે સરકારી ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ.' તેમણે ઉમેર્યું કે, આ ઝુંબેશથી ઈંધણની મોટી બચત થશે અને પ્રદૂષણ ઘટાડવામાં આપણું મહત્વનું યોગદાન રહેશે. DDO નિશાની આ પહેલ આગામી દિવસોમાં અન્ય સરકારી અધિકારીઓ અને સામાન્ય નાગરિકો માટે પણ પ્રેરણારૂપ સાબિત થશે.
Read Original Article →