જામનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્કિંગમાં આગ:શોર્ટ સર્કિટથી દુર્ઘટના, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો

Gujarat5/12/2026, 9:09:49 AM
જામનગરમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાર્કિંગમાં આગ:શોર્ટ સર્કિટથી દુર્ઘટના, ફાયરબ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો
જામનગરના ત્રણબત્તી વિસ્તારમાં આવેલા સ્ટાર લાઇટ બિલ્ડિંગના પાર્કિંગમાં આજે બપોરે આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે મીટર રૂમમાં લાગેલી આ આગથી ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને મીટરો સળગવા લાગ્યા હતા, જેના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહેવાસી હિતેશભાઈએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફાયર શાખાની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આગ વધુ ન ફેલાય તે માટે સૌપ્રથમ પીજીવીસીએલની મદદથી વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને ઝડપથી કાબૂમાં લીધી હતી. સમયસર કાર્યવાહી થતાં આગ બિલ્ડિંગના અન્ય ભાગોમાં ફેલાતી અટકી ગઈ અને મોટી દુર્ઘટના ટળી. આગને કારણે બિલ્ડિંગમાં હાજર લોકોમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેથી તેઓ તાત્કાલિક બહાર આવી ગયા હતા. સદનસીબે, કોઈ જાનહાનિ કે ઈજા થઈ ન હતી, જેનાથી રહેવાસીઓએ રાહત અનુભવી હતી. પ્રાથમિક તપાસ મુજબ, શોર્ટ સર્કિટના કારણે મીટર પેનલ, મીટર હોલ્ડિંગ અને ઇલેક્ટ્રિક વાયરિંગને નુકસાન થયું છે. ફાયર વિભાગે સમગ્ર પરિસ્થિતિ કાબૂમાં લઈને સ્થળને સુરક્ષિત જાહેર કર્યું હતું.
Read Original Article →