જામનગર કલેક્ટર, અધિક કલેક્ટરે સ્વ-ગણતરી પૂર્ણ કરી:નાગરિકોને રાષ્ટ્રહિતમાં જોડાવા અપીલ, 31 મે સુધી કરી શકાશે

Gujarat5/20/2026, 10:40:26 AM
જામનગર કલેક્ટર, અધિક કલેક્ટરે સ્વ-ગણતરી પૂર્ણ કરી:નાગરિકોને રાષ્ટ્રહિતમાં જોડાવા અપીલ, 31 મે સુધી કરી શકાશે
જામનગર જિલ્લા કલેક્ટર પી.બી. પંડ્યા અને નિવાસી અધિક કલેક્ટર એસ.એમ. કાથડે વસ્તી ગણતરીની સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેમણે જિલ્લાના નાગરિકોને પણ રાષ્ટ્રહિતમાં આ પ્રક્રિયામાં જોડાઈને આગામી 31 મે સુધીમાં સ્વ-ગણતરી કરવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી-2027 રાષ્ટ્ર નિર્માણની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. ગુજરાત રાજ્યમાં જનગણના-2027 અંતર્ગત સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ વિવિધ જનહિતલક્ષી યોજનાઓના આયોજન, અમલીકરણ અને વિકાસકાર્યોને વધુ અસરકારક બનાવવા માટે થાય છે. આગામી સમયમાં વસ્તીગણતરી 2027 હાથ ધરવામાં આવનાર છે. તેના પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 1 થી 30 જૂન 2026 દરમિયાન ઘર યાદી અને મકાનોની ગણતરી હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા સરળ બને તે હેતુથી સરકારે 17 થી 31 મે સુધી સેલ્ફ એન્યુમેરેશનની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. નાગરિકો se.census.gov.in પોર્ટલ પર જઈ સરળતાથી પોતાની અને પરિવારની વિગતોની ઓનલાઇન નોંધણી કરાવી શકશે. સ્વ-ગણતરી પ્રક્રિયામાં સૌપ્રથમ પ્રાથમિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જેમાં નાગરિકોએ વસ્તીગણતરીના સત્તાવાર પોર્ટલ પર જઈને પોતાનું રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગઇન કરવાનું રહેશે. ત્યારબાદ પરિવારના વડાનું નામ અને 10 આંકડાનો મોબાઈલ નંબર આપીને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. એક પરિવાર માટે માત્ર એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકાશે અને પરિવારના વડાનું નામ પાછળથી બદલી શકાશે નહીં. રજિસ્ટ્રેશન બાદ વેરિફિકેશન અને લોકેશનની ઓળખ કરાશે. જેમાં ભાષાની પસંદગી અને ઓટીપી વેરિફિકેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ લોકેશનની વિગતો આપવાની રહેશે, જેમાં જિલ્લો, ગામ કે શહેર અને પિનકોડની માહિતી દાખલ કરવાની રહેશે. પછીથી મેપ પર લાલ માર્કર થકી ઘરનું ચોક્કસ લોકેશન સેટ કરવાનું રહેશે. અંતિમ તબક્કામાં ડેટા એન્ટ્રી અને ફાઈનલ સબમિશન કરવાનું રહેશે. જેમાં વસ્તીગણતરીને લગતા પ્રશ્નોના જવાબ આપીને ડેટા એન્ટ્રી કરવાની રહેશે. બાદમાં પ્રિવ્યૂમાં જઈને તમામ વિગતો ચકાસવાની રહેશે. જરૂર પડ્યે તેને એડિટ કરી શકાશે, પછીથી સબમિટ કરવા માટે ડ્રાફ્ટ તરીકે સેવ પણ કરી શકાશે અથવા ફાઈનલ સબમિટ કરી શકાશે. ફાઈનલ સબમિટ પર ક્લિક કરવાથી ડેટા લોક થઈ જશે અને તેમાં કોઈ બદલાવ નહીં કરી શકાય. આ સાથે 11 આંકડાનો યુનિક 'SE ID' જનરેટ થશે, જે મોબાઈલ પર એસએમએસ દ્વારા મોકલવામાં આવશે.
Read Original Article →