જામનગર દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું સઘન પેટ્રોલિંગ:આતંકી પ્રવૃત્તિઓ રોકવા કમાન્ડો તૈનાત, પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે સુરક્ષા સજ્જ
પશ્ચિમ એશિયામાં પ્રવર્તી રહેલા તણાવને પગલે ભારતની દરિયાઈ સીમાઓ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આ હેતુથી જામનગરના દરિયાઈ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ અને વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સલામતી જાળવવાનો અને અનિચ્છનીય ઘટનાઓને અટકાવવાનો છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, કોઈ ઘટના બન્યા બાદ હાઈ એલર્ટ આપવાને બદલે 'સામાન્ય' જણાતી પરિસ્થિતિમાં પણ સતર્કતા રાખવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વૈશ્વિક સુરક્ષાના સમીકરણો અને પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેની યુદ્ધ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. આ વ્યૂહરચનાના ભાગરૂપે, એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના એડિશનલ DGP અમિતકુમાર વિશ્વકર્મા, DIG એ.એમ. મુનિયા અને SP એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ જામનગર સેક્ટરમાં આ ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મરીન ટાસ્ક ફોર્સના પોલીસ ઈન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ તેમજ PSI જી.એમ. બોપલિયા અને ડી.એચ. જાડેજાની આગેવાનીમાં મરીન કમાન્ડોની ટીમોએ જામનગર એરફોર્સ રેન્જ, સરમત અને રસૂલનગરના દરિયાઈ પટ્ટા, સિક્કા જેટી અને સોલ્ટ ગેટ વિસ્તાર તેમજ અવાવરૂ ટાપુઓ અને ખાડી વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મરીન કમાન્ડો દ્વારા દરિયામાં અવરજવર કરતી શંકાસ્પદ નૌકાઓ અને વ્યક્તિઓની ઓળખ ચકાસવામાં આવી હતી. આ ઉપરાંત, ફિશ લેન્ડિંગ પોઈન્ટ્સ પર આવતા-જતા લોકો પર કડક નજર રાખવામાં આવી હતી અને રાષ્ટ્રીય સંપત્તિ તથા સંવેદનશીલ સ્થાપનોની આસપાસ સુરક્ષા કવચ મજબૂત કરવામાં આવ્યું હતું. દરિયાકાંઠાની અવાવરૂ જગ્યાઓનું પણ સર્ચ કરવામાં આવ્યું હતું, જેથી ત્યાં કોઈ શંકાસ્પદ હિલચાલ ન હોય તેની ખાતરી કરી શકાય. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી, ગેરકાયદેસર અને આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાનો છે.
Read Original Article →