જામનગરમાં 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ:નાગરિકોએ OTP આપવો નહીં, માહિતી ગુપ્ત રહેશે

Gujarat5/19/2026, 1:19:58 PM
જામનગરમાં 1 જૂનથી વસ્તી ગણતરી શરૂ:નાગરિકોએ OTP આપવો નહીં, માહિતી ગુપ્ત રહેશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેર હદ વિસ્તારમાં ભારત સરકારની રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત 'જનગણના ૨૦૨૭' ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. મહાનગરપાલિકાએ નાગરિકોને આ રાષ્ટ્રીય કાર્યમાં સહકાર આપવા અને જાગૃત રહેવા અપીલ કરી છે. આ વસ્તી ગણતરી વિવિધ સરકારી કલ્યાણકારી યોજનાઓ, સામાજિક-આર્થિક વિકાસ અને આવાસ સંબંધિત આયોજન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે. જે નાગરિકો પોતાની માહિતી જાતે ઓનલાઈન નોંધાવવા ઈચ્છે છે, તેમના માટે 17 મે, 2026 થી 31 મે, 2026 સુધી સ્વ-ગણના (Self Enumeration) ની સુવિધા શરૂ કરવામાં આવી છે. નાગરિકો નિર્ધારિત પોર્ટલ se.census.gov.in પર જઈને પોતાની વિગતો ભરી શકશે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, વસ્તી ગણતરીની કામગીરી બે તબક્કામાં થશે. પ્રથમ તબક્કો 'હાઉસ લિસ્ટિંગ ઓપરેશન (HLO)' ૧ જૂન, ૨૦૨૬ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરાશે. આ તબક્કામાં જનગણના કર્મચારીઓ ઘર-ઘર જઈને ઘરયાદી અને સ્થળ સ્થિતિ દર્શાવતો બ્લોક પ્લાન તૈયાર કરશે. જેમાં તેઓ માત્ર ઘરના મુખ્ય મોભીનું નામ અને સભ્યોની સામાન્ય વિગતો મેળવશે. તંત્રએ નાગરિકોની સુરક્ષા માટે ખાસ સૂચના આપી છે કે વસ્તી ગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારના દસ્તાવેજો કે અન્ય આધારો માંગવામાં આવશે નહીં. સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ OTP (વન ટાઈમ પાસવર્ડ) જનરેટ થશે નહીં કે કોઈને OTP આપવાનો રહેશે નહીં. નાગરિકોએ આ બાબતે છેતરપિંડીથી સાવધ રહેવું. જનગણના અધિનિયમ મુજબ, નાગરિકો દ્વારા આપવામાં આવતી તમામ વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ માત્ર આંકડાકીય અને વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકાએ તમામ નગરજનોને વિનંતી કરી છે કે જ્યારે જનગણના કર્મચારીઓ ઘરે આવે ત્યારે તેમને સાચી માહિતી આપીને આ રાષ્ટ્રીય કાર્યને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપે.
Read Original Article →