જામનગર મનપા ચૂંટણી: ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:ભાજપ ઉમેદવારોએ રિવાબા જાડેજાની આગેવાનીમાં પત્રો ભર્યા
જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ હતો. આ દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા એકસાથે તમામ ઉમેદવારોના ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે વહીવટી કચેરીઓ બહાર કાર્યકરો અને સમર્થકોનો અભૂતપૂર્વ જમાવડો જોવા મળ્યો હતો. ભાજપના ઉમેદવારો કાર્યાલયે એકઠા થયા બાદ ઉમેદવારી પત્રો ભરવા રવાના થયા હતા. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, પ્રભારી ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને 78-વિધાનસભા વિસ્તારમાં વિશેષ આકર્ષણ જોવા મળ્યું હતું. આ વિસ્તારમાં આવતા તમામ વોર્ડના ભાજપના ઉમેદવારો જ્યારે પોતાનું નામાંકન પત્ર દાખલ કરવા પહોંચ્યા, ત્યારે તેમની સાથે રાજ્યમંત્રી રિવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ ઉમેદવારો અને કાર્યકરોમાં નવો ઉત્સાહ જગાવ્યો હતો. બીજી તરફ, વોર્ડ નંબર ચારમાંથી ભાજપના પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમે બહુજન સમાજવાદી પાર્ટી (BSP) માં જોડાઈને ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે વોર્ડ નંબર એકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પણ આજે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. સાંજે 6:00 વાગ્યા પછી કુલ કેટલા ઉમેદવારી પત્રો ભરાયા તેનો સ્પષ્ટ આંકડો ઉપલબ્ધ થશે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વહીવટી કચેરીઓમાં વહેલી સવારથી જ ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. ભાજપના શક્તિપ્રદર્શનને કારણે કચેરી પરિસર 'ભારત માતા કી જય' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ઉમેદવારો સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ તકે રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જામનગરની જનતા વિકાસના કામોને જોઈને ફરી એકવાર ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવશે. હવે ફોર્મ ભરાઈ ગયા બાદ આગામી દિવસોમાં ફોર્મની ચકાસણી અને ઉમેદવારી પત્રો ખેંચવાની પ્રક્રિયા હાથ ધરાશે, ત્યારબાદ ચૂંટણી જંગનું ચિત્ર વધુ સ્પષ્ટ થશે. હાલ તો જામનગરમાં ચૂંટણીનો માહોલ પૂરેપૂરો જામ્યો છે.
Read Original Article →