જામનગરમાં જન્મ-મરણ દાખલાની કામગીરી ખોરવાઈ:સર્વર ઠપ થતા અરજદારોને 15 દિવસનું વેઇટિંગ; ટોકન આપીને પરત મોકલાયા
જામનગર મહાનગરપાલિકામાં છેલ્લા પાંચ દિવસથી જન્મ અને મરણના દાખલા કાઢવાની કામગીરી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. સર્વર ઠપ થવાને કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના રોજિંદા કામ છોડીને આવતા લોકોને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ નિરાશ થઈને પરત ફરવું પડે છે. મળતી માહિતી મુજબ, CRC સંબંધિત ટેકનિકલ કામગીરી અને સિસ્ટમ અપડેશનને કારણે મુખ્ય સર્વર ખોરવાઈ ગયું છે. આ સર્વર ડાઉન હોવાથી ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રકારના પ્રમાણપત્રો ઈસ્યુ થઈ શકતા નથી, જેના કારણે વહીવટી તંત્રની કામગીરી પણ ઠપ થઈ ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા હાલ પૂરતો વચગાળાનો રસ્તો કાઢીને લોકોને માત્ર ટોકન આપીને પરત મોકલવામાં આવી રહ્યા છે. દરરોજ આશરે 60 થી 70 જેટલા ટોકન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 300થી વધુ ટોકન ઈસ્યુ થઈ ચૂક્યા છે, જેના કારણે જો આજે સિસ્ટમ શરૂ થાય તો પણ અરજદારોનો વારો આવતા 15 થી 20 દિવસ જેટલો લાંબો સમય લાગી શકે છે. દાખલા ન મળવાને કારણે સ્થાનિક લોકોને શૈક્ષણિક અને કાનૂની કાર્યોમાં ભારે મુશ્કેલી પડી રહી છે. શાળા-કોલેજોમાં એડમિશન, સરકારી યોજનાઓના લાભ, વારસાઈ પ્રક્રિયા, બેંકના કાર્યો તેમજ પાસપોર્ટ જેવી અતિ મહત્વની કામગીરીઓ અટકી પડી છે. લોકો ડિજિટલ ઈન્ડિયાના દાવાઓ વચ્ચે પાંચ દિવસ સુધી સર્વર ઠપ રહેવા અને વૈકલ્પિક વ્યવસ્થા ન હોવા અંગે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ શાખાના ઇન્ચાર્જ અધિકારી હસમુખભાઈ કુરજીયાએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે CRS ની કામગીરી ચાલુ છે અને સર્વરનો પણ પ્રોબ્લેમ છે. ઉપરથી જ કામગીરી ચાલુ હોવાથી અરજદારોને સર્વર ડાઉનને લીધે 15 કે 20 દિવસના ટોકન આપવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, નવા CRS માં માતા-પિતાના ઓળખપત્ર, નામ, સરનામું, બાળકનું નામ, માતા-પિતાનું નામ એ બધું જ સર્વરમાં નોંધ કરવાનું હોવાથી સમસ્યા આવી રહી છે. જામનગર જિલ્લા પંચાયતમાંથી પ્રોગ્રામર આવ્યા હતા અને તેમની સાથે થયેલી ચર્ચા મુજબ આ સમસ્યા હલ થવામાં હજુ અઠવાડિયા કે 10 દિવસની આસપાસનો સમય લાગી શકે છે. તેમણે અરજદારોને તંત્રને સાથ-સહકાર આપવા નમ્ર વિનંતી કરી હતી.
Read Original Article →