જામનગરમાં 'અનુભૂતિ આર્ટ ગ્રુપ'નું બે દિવસીય ચિત્ર પ્રદર્શન:"સંવાદ" શીર્ષક હેઠળ ૫૫ ચિત્રો પ્રદર્શિત થશે
જામનગરમાં કલારસિકો માટે એક વિશેષ અવસરનું આયોજન કરવામાં આવ્યું છે. 'અનુભૂતિ આર્ટ ગ્રુપ' દ્વારા આગામી 23 અને 24 મે, 2026 (શનિવાર અને રવિવાર) ના રોજ સુમેર ક્લબના સુમેર રેસીડેન્સી, બેન્કેટ હોલ ખાતે બે દિવસીય ચિત્ર પ્રદર્શન "સંવાદ" યોજાશે. આ પ્રદર્શનમાં અંદાજિત ૫૫ જેટલા અદભુત ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે. આ ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન 23 મે, શનિવારે સવારે 10 વાગ્યે ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના ડિરેક્ટર ઓફ બોર્ડ ઓફ સ્પોર્ટ્સ એન્ડ વેલ્ફેર, હર્ષવદન પી. ઝાલાના હસ્તે થશે. આ પ્રસંગે ગુજરાતના જાણીતા સિનિયર વૉટર કલર આર્ટિસ્ટ અને રિટાયર્ડ આર્ટ ટીચર શ્રી પ્રવીણભાઈ ગોસ્વામી તેમજ મોરબીના જાણીતા આર્ટ ટીચર અને સિનિયર વૉટર કલર આર્ટિસ્ટ રાજેન્દ્ર ચૌહાણ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. પ્રદર્શનના પ્રથમ દિવસે, એટલે કે 23 મેના રોજ સવારે 11 કલાકે, બાળકો અને કલાપ્રેમીઓ માટે એક ખાસ 'લાઈવ આર્ટ ડેમોન્સ્ટ્રેશન' (લાઈવ પેઇન્ટિંગ) યોજાશે. અનુભૂતિ આર્ટ ગ્રુપના સિનિયર કલાકાર રાજેન્દ્ર ચૌહાણ આ ડેમોન્સ્ટ્રેશન આપશે, જેનો ઉદ્દેશ્ય બાળકોમાં કલા પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને ચિત્રકળાની ટેકનિકલ જાણકારી આપવાનો છે. અનુભૂતિ આર્ટ ગ્રુપના ઉપ-પ્રમુખ સંજય જાની અને દિક્ષિકા કાનિયાએ જણાવ્યું હતું કે, જામનગરની કલાપ્રિય જનતા, શાળાના બાળકો અને કલા રસિકો માટે આ પ્રદર્શન અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન તદ્દન વિના મૂલ્યે ખુલ્લું રાખવામાં આવ્યું છે. પ્રદર્શનનો સમય સવારે 10 થી બપોરે 1 અને સાંજે 4 થી રાત્રે 9 વાગ્યા સુધીનો રહેશે.
Read Original Article →