જામનગરમાં AAPનો પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે વિરોધ:'મેલોડી' ચોકલેટથી વ્યંગાત્મક પ્રદર્શન, કાર્યકરોની અટકાયત

Gujarat5/21/2026, 8:47:54 AM
જામનગરમાં AAPનો પેટ્રોલ-ડીઝલ ભાવવધારા સામે વિરોધ:'મેલોડી' ચોકલેટથી વ્યંગાત્મક પ્રદર્શન, કાર્યકરોની અટકાયત
જામનગરમાં પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ સામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. AAP કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢાએ કર્યું હતું. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની માંગ કરી હતી. આવેદનપત્ર સુપરત કર્યા બાદ કાર્યકરોએ પ્રતિકાત્મક રીતે "મેલોડી" ચોકલેટનું વિતરણ કર્યું હતું. "મેલોડી એટલી ચોકલેટી કેમ છે?" જેવા પ્રચલિત સંદેશ સાથે સરકારી નીતિઓ સામે વ્યંગાત્મક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કાર્યકરોમાં "બંગાળથી ઇટાલી થઈને જામનગર પહોંચેલી મેલોડી ચોકલેટ" જેવી ટિપ્પણીઓ ચર્ચાનો વિષય બની હતી. આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે સ્થળ પર પહોંચી આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરોની અટકાયત કરી હતી. તેમને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા, જોકે થોડા સમય બાદ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો સીધો બોજ સામાન્ય જનતા પર પડી રહ્યો છે. જો ભાવ ઘટાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
Read Original Article →