જામનગર મનપાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું:વોર્ડ નં.2ના AAPના ઉમેદવાર હનીફ જતમલેકે રાજીનામું આપ્યું, કાર્યકરો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા; ચૂંટણી પહેલા સમીકરણો બદલાયા

Gujarat4/6/2026, 2:03:13 PM
જામનગર મનપાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું:વોર્ડ નં.2ના AAPના ઉમેદવાર હનીફ જતમલેકે રાજીનામું આપ્યું, કાર્યકરો સાથે ફરી કોંગ્રેસમાં જોડાયા; ચૂંટણી પહેલા સમીકરણો બદલાયા
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. શહેર ઉપપ્રમુખ હનીફ હસન જતમલેકે પોતાના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. આમ આદમી પાર્ટીએ હનીફ જતમલેકને વોર્ડ નંબર 2માં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતા. હનીફ જતમલેક જામનગર શહેરના મુસ્લિમ સમાજના ચહેરા અને AAP સંગઠનના પાયાના કાર્યકર હતા. તેમણે એકલા નહીં, પરંતુ તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક હોદ્દેદારોએ પણ AAPમાંથી રાજીનામા આપ્યા છે. રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું કે, "આમ આદમી પાર્ટીએ મને કોર્પોરેશનની ટિકિટ આપી તે બદલ હું આભાર માનું છું, પરંતુ હાલના સંજોગોમાં હું મારા તમામ હોદ્દા અને સભ્યપદેથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યો છું." જતમલેક અગાઉ વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે જાહેર થયા હતા. હવે તેઓ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે. તેમની સાથે AAPના 100 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે, જેના કારણે આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને તેની આસપાસના વિસ્તારોમાં રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવતા જ જામનગરમાં પક્ષપલટાનો દોર શરૂ થયો છે. AAPના સંગઠનમાં પડેલું આ ગાબડું પક્ષ માટે ચિંતાનો વિષય બની શકે છે. ખાસ કરીને લઘુમતી મતો અને સ્થાનિક નેતૃત્વ પર આ રાજીનામાની સીધી અસર જોવા મળશે. આ ઉપરાંત, AAP અને ભાજપના અન્ય કેટલાક હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા અન્ય હોદ્દેદારોમાં AAPના શહેર લીગલ સેલ વિભાગના દિપાલીબેન મંગે, વોર્ડ નંબર 14ના પ્રમુખ કિશોર રતડા અને ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના વોર્ડ નંબર 8ના ઉપપ્રમુખ વિવિધાબેન ભટ્ટનો સમાવેશ થાય છે. હનીફ હસન જતમલેકે જણાવ્યું કે, હું આમ આદમી પાર્ટીનો પૂર્વ ઉપપ્રમુખ હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે જોડાવું છું. આ પહેલા પણ હું કોંગ્રેસ સાથે જ જોડાયેલો હતો અને મેં 21 વર્ષ કોંગ્રેસમાં વિતાવ્યા હતા. ગયા વખતે પક્ષના આંતરિક મતભેદોને કારણે અમે નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને છેલ્લી ચૂંટણી મેં ‘આપ’ માંથી લડી હતી પરંતુ હવે સમીકરણો એવા બન્યા છે કે મારા વિસ્તારના લોકોની ઈચ્છા છે કે હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડું. જો કોંગ્રેસ પક્ષ મને ટિકિટ આપશે અને લડાવવા માંગશે, તો લોકોના આગ્રહને માન આપીને હું કોંગ્રેસમાં જોડાઈ રહ્યો છું." આમ આદમી પાર્ટીએ મને ઉમેદવાર જાહેર કર્યો હતો, તે બદલ હું તેમનો ખૂબ આભાર માનું છું. તેમણે મારામાં કંઈક જોઈને જ મને ટિકિટ આપી હશે, પરંતુ બદલાતા સમીકરણોને કારણે મારે હવે ‘આપ’ છોડીને કોંગ્રેસમાં જોડાવું પડ્યું છે.
Read Original Article →