જામનગરમાં જર્જરિત મકાન તોડી પડાયું:પ્રિ-મોન્સૂન એક્શન હેઠળ અન્ય 14 મકાનો પણ તોડી પડાશે; અગાઉ નોટિસ અપાઈ હતી
જામનગર મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાની કાર્યવાહી શરૂ કરી છે. શહેરના લીમડા લેન વિસ્તારમાં એક અત્યંત જર્જરિત મકાનને આજે ટીપીઓ અને એસ્ટેટ શાખા દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને તોડી પાડવામાં આવ્યું હતું. આ કાર્યવાહી સંભવિત હોનારત અને જાનમાલનું નુકસાન અટકાવવા માટે કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, લીમડા લેનમાં આવેલી બિલિયન સ્કૂલની સામેનું આ ખાનગી મકાન લાંબા સમયથી જોખમી હાલતમાં હતું. મહાનગરપાલિકાની ટીપીઓ શાખા દ્વારા અગાઉ મકાનમાલિકને નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થતાં, આજે સવારે એસ્ટેટ અને ટીપીઓ વિભાગનો કાફલો જરૂરી મશીનરી સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ આ જર્જરિત બાંધકામને સુરક્ષિત રીતે દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ ડિમોલિશન કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના ટીપીઓ વિભાગના અધિકારી ઉર્મિલ દેસાઈ અને એસ્ટેટ વિભાગના અધિકારી કેતન કટેશિયા સહિતનો સ્ટાફ સ્થળ પર હાજર રહ્યો હતો. અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ જોખમી મકાનને વિરોધ વિના જમીનદોસ્ત કરાયું હતું. મનપાના ટીપીઓ અધિકારી ઉર્મિલ દેસાઈએ જણાવ્યું હતું કે, "ચોમાસું નજીક હોવાથી નાગરિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત સર્વે કરીને અત્યાર સુધીમાં આવા ૧૪ જેટલા અતિ જોખમી મકાનો-બાંધકામોને કાયદાકીય નોટિસો આપવામાં આવી છે." તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં આ તમામ 14 જોખમી બાંધકામોને પણ દૂર કરવાની ઝુંબેશ સખત રીતે ચાલુ રાખવામાં આવશે.
Read Original Article →