મહિને 10થી 40 ટકા વ્યાજ:30 હજારનું 3 લાખ અને 5 લાખનું 2.25 લાખ વ્યાજ વસૂલ્યું, બેન્ક મેનેજરને પરિવાર સામે મારી નાખવાની ધમકી, 4 વ્યાજખોરો સામે ફરિયાદ

Gujarat5/19/2026, 2:18:21 PM
મહિને 10થી 40 ટકા વ્યાજ:30 હજારનું 3 લાખ અને 5 લાખનું 2.25 લાખ વ્યાજ વસૂલ્યું, બેન્ક મેનેજરને પરિવાર સામે મારી નાખવાની ધમકી, 4 વ્યાજખોરો સામે ફરિયાદ
જામનગર જિલ્લાના જામજોધપુર શહેરમાંથી વ્યાજખોરીનો એક ચોંકાવનારો અને અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સામાન્ય નાગરિકોને લોન અને નાણાકીય સુવિધાઓ પૂરી પાડતી પ્રતિષ્ઠિત HDFC બેંકના એક આસિસ્ટન્ટ મેનેજર પોતે જ વ્યાજખોરોના ક્રૂર સિકંજામાં ફસાઈ ગયા છે. ચાર જેટલા માથાભારે વ્યાજખોરો દ્વારા લાખો રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, બેંક મેનેજર તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આખરે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, જામજોધપુરની તિરુપતિ સોસાયટીમાં રહેતા અને છેલ્લા ચાર વર્ષથી HDFC બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા રવિ કુમાર વિજયભાઈ ગંઢચા નામના યુવાને આ અંગે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવી છે. અંદાજે બે વર્ષ પહેલાં ઓનલાઈન લોન અને ક્રેડિટ કાર્ડના ચૂકવણાને કારણે તેઓ ગંભીર નાણાકીય મુશ્કેલીમાં મુકાયા હતા. આ આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે તેમણે સ્થાનિક સ્તરે ઊંચા વ્યાજે નાણાં આપતા શખ્સોનો સંપર્ક કર્યો હતો, જે પાછળથી તેમના માટે માનસિક અને શારીરિક ત્રાસનું કારણ બન્યું હતું. ચાર વ્યાજખોરો સામે ગંભીર આક્ષેપો અને વિગતો ફરિયાદીના જણાવ્યા અનુસાર, તેમણે પોતાની જરૂરિયાત સંતોષવા માટે ચાર અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી કડક શરતો અને ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા: 1. સત્યજીતસિંહ જાડેજા (માસિક 40% વ્યાજદર) આરોપી સત્યજીતસિંહે ફરિયાદી રવિ કુમારને કટકે-કટકે પ્રથમ રૂ.15,000 અને ત્યારબાદ રૂ.30,000 વ્યાજે આપ્યા હતા. આ રકમ સામે માસિક આશરે 40 ટકા જેટલું મસમોટું વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું અને સિક્યુરિટી પેટે સહીવાળા કોરા ચેક પડાવી લેવાયા હતા. ફરિયાદી અત્યાર સુધીમાં કુલ રૂ.3,21,000 જેવી માતબર રકમ ચૂકવી ચૂક્યા હોવા છતાં, આરોપી હજુ પણ વધુ દોઢ લાખ રૂપિયાની માંગણી કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે. 2. સંદીપ કરણાભાઈ કરોતરા (રૂ.10,000 સામે સતત ઉઘરાણી) બીજા આરોપી સંદીપ કરોતરા પાસેથી ફરિયાદીએ રૂ.10,000 લીધા હતા. જેની સામે આરોપીએ ભારે વ્યાજ વસૂલવાની સાથે સિક્યુરિટી તરીકે કોરો ચેક મેળવી લીધો હતો. ફરિયાદી દ્વારા અનેક વખત ઓનલાઈન માધ્યમથી નાણાં ચૂકવવામાં આવ્યા હોવા છતાં, આરોપી સંતોષ ન માનતા હજુ પણ રૂ.13,000ની ગેરકાયદેસર માંગણી કરી ધમકાવી રહ્યો છે. 3. સનાભાઈ કરશનભાઈ મોવાણીયા (રૂ.80,000ની સામે બે કોરા ચેક) ત્રીજા આરોપી સનાભાઈ મોવાણીયાએ ફરિયાદીને રૂ.80,000 વ્યાજે આપ્યા હતા અને સુરક્ષાના નામે બે કોરા ચેક લખાવી લીધા હતા. ફરિયાદીએ વ્યાજ અને મુદ્દલ સહિત કુલ રૂ.1,00,000 પરત ચૂકવી દીધા હોવા છતાં, આરોપી પોતાની સત્તાનો દુરુપયોગ કરીને ફરીથી વધારાના રૂપિયા પડાવવા દબાણ કરી રહ્યો છે. 4. દિપભાઈ પરાગભાઈ બાવરિયા (માસિક 10% વ્યાજદર) ચોથા આરોપી દિપભાઈ બાવરિયાએ ફરિયાદીને રૂ.5,20,000 માસિક 10 ટકાના ઊંચા વ્યાજે આપ્યા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં રૂ.2,24,000 જેટલી રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી છે. આમ છતાં, આરોપી સહેજ પણ નમતું જોખવા તૈયાર નથી અને સતત પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો છે. સમગ્ર પરિવાર અત્યારે ભયના ઓથાર હેઠળ ભોગ બનનાર બેંક મેનેજરે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આ ચારેય આરોપીઓ માત્ર ફોન પર જ નહીં પરંતુ અવારનવાર રૂબરૂ આવીને જાહેરમાં બિભત્સ ગાળો બોલતા હતા. બળજબરીપૂર્વક નાણાં પડાવવા માટે તેઓ ફરિયાદીના પરિવારને પણ ટાર્ગેટ કરીને ધમકાવતા હતા, જેને કારણે સમગ્ર પરિવાર અત્યારે ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. બેંકિંગ ક્ષેત્રના જવાબદાર પદ પર હોવા છતાં વ્યાજખોરોના આતંકનો ભોગ બનેલા યુવાને આખરે હિંમત ભેગી કરીને કાયદાનો આશરો લીધો છે. જામજોધપુર પોલીસે ફરિયાદી રવિ કુમારની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની આગળની તપાસ તેજ ગતિએ હાથ ધરી છે.
Read Original Article →