જામનગરમાં મેગા કરિયર કાઉન્સેલિંગ સેમિનાર સંપન્ન:ભારતીય સિંધુ સભાએ વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપ્યું
જામનગરમાં ભારતીય સિંધુ સભા, જામનગર શાખા દ્વારા સિંધી સમાજના વિદ્યાર્થીઓ માટે ‘મેગા કરિયર કાઉન્સેલિંગ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયેલો આ સેમિનાર સફળતાપૂર્વક સંપન્ન થયો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને કારકિર્દી માટે સચોટ માર્ગદર્શન પૂરું પાડવાનો હતો. આ સેમિનારમાં ભારતીય સિંધુ સભાના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ નિખિલભાઈ મેઠિયા અને ગુજરાત પ્રદેશના યુવા અધ્યક્ષ નિખિલભાઈ ખીલવાણી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિખિલભાઈ મેઠિયાએ યુવાનોને આત્મવિશ્વાસ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા પ્રેરણા આપી હતી. જ્યારે નિખિલભાઈ ખીલવાણીએ સ્પર્ધાત્મક યુગમાં યુવા પેઢીના સર્વાંગી વિકાસ માટે યોગ્ય શૈક્ષણિક માર્ગદર્શનના મહત્વ પર ભાર મૂક્યો હતો. સેમિનારના મુખ્ય સત્રમાં શિક્ષણ અને કારકિર્દી જગતના નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રોફેસર રામ કેવલરામાણી, સાયન્સ ફેકલ્ટીના ભાવેશ નાગપાલ, સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક જયેશ વાઘેલા અને મોનાણી સાહેબે વિદ્યાર્થીઓને કયું ક્ષેત્ર પસંદ કરવું, ભવિષ્યમાં કેવી રીતે આગળ વધવું અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મેળવવા માટેની વ્યૂહરચના સમજાવ્યો હતો. નિષ્ણાતોએ વ્યક્તિગત પરામર્શ દ્વારા વિદ્યાર્થીઓની મૂંઝવણો દૂર કરી તેમને યોગ્ય દિશા આપી હતી, જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાભ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારતીય સિંધુ સભાની મુખ્ય ટીમ, જેમાં અધ્યક્ષ ઘનશ્યામદાસ ગંગવાણી, મહિલા પાંખના અધ્યક્ષ નિકિતાબેન કેવલરામાણી અને યુવા ટીમના અધ્યક્ષ જગદીશ દુલાણીનો સમાવેશ થાય છે, તેમણે અથાગ પ્રયાસો કર્યા હતા. જામનગર સિંધી સમાજના પ્રમુખ ઉધવદાસ ચંદીરામાણી સહિતની સમગ્ર ટીમે પણ બહુમૂલ્ય સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આયોજકોની નિષ્ઠા અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના વિશાળ પ્રતિસાદને કારણે આ કાર્યક્રમ સમાજ માટે એક દિશાદર્શક બની રહ્યો છે. ભારતીય સિંધુ સભા દ્વારા લેવાયેલું આ પગલું જામનગરના વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં મદદરૂપ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.
Read Original Article →