24 કલાકમાં 3 માસૂમ સ્વિમિંગ પૂલ-વોટર પાર્કમાં ડૂબ્યા:જામનગર-જૂનાગઢમાં 8 વર્ષના બે બાળક પાણીમાં ગરકાવ, કામરેજમાં માતાની નજર સામે જ પુત્રનું મોત
ગુજરાતમાં મનોરંજન અને પ્રવાસના નામે ધમધમતા ફાર્મહાઉસ, રિસોર્ટ અને વોટર પાર્ક હવે માસૂમ બાળકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ જિલ્લામાં કાળજું કંપાવી દે તેવી ઘટનાઓ સામે આવી છે, જેમાં ત્રણ નિર્દોષ બાળકે સ્વિમિંગ પૂલ અને વોટર પાર્કના પાણીમાં ડૂબી જવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. જામનગર, જૂનાગઢ અને સુરતના કામરેજમાં બનેલી આ ઘટનાઓએ રિસોર્ટ સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા તેમજ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. જૂનાગઢ: કિંગડમ વોટર પાર્કમાં 8 વર્ષના બાળકનું ડૂબવાથી મોત પ્રથમ ઘટનાની વાત કરીએ તો, ભાવનગરમાં રહેતો પરિવાર વેરાવળ મામાના ઘરે આવ્યો હતો. ત્યાંથી આજે (6 જૂન) બપોરે માતા-પિતા અને સગા વહાલાઓ સૌ સાથે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલા 'કિંગડમ વોટર પાર્ક'માં નાહવા ગયા હતા. જ્યાં અંદાજે 8 વર્ષના એક માસૂમ બાળકનું વોટર પાર્કના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વોટર પાર્કના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી આ દુર્ઘટના બાદ વોટર પાર્કના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે અને સ્થાનિક સ્તરે અનેક ગંભીર ખુલાસાઓ થઈ રહ્યા છે. જેમ કે, વોટર પાર્ક અને હોટલની આગળની કેટલીક જમીન સરકારી ગૌચરની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. વોટર પાર્કની ઉપરથી હાઈ ટેન્શન વીજલાઈનો પસાર થતી હોવા છતાં તેને જરૂરી મંજૂરીઓ મળી કેવી રીતે તે તપાસનો વિષય છે. મુલાકાતીઓ પાસેથી ₹500 થી ₹700 વસૂલવા છતાં પાકી ટિકિટ ન અપાતી હોવાના આક્ષેપો થયા છે. તેમજ રાઈડ્સ માટેના જરૂરી સેફ્ટી લાયસન્સ અને ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાની પણ આશંકા છે. જામનગર: જાંબુડાના હોલીડે રિસોર્ટમાં 9 વર્ષના હર્ષનું કરૂણ મોત બીજી હૃદયદ્રાવક ઘટના વિશે વાત કરીએ તો, જામનગર-રાજકોટ હાઈવે પર જાંબુડા પાટિયા નજીક આવેલા હોલીડે રિસોર્ટમાં પરિવાર સાથે રવિવારની રજા માણવા ગયેલા પરમાર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. જામનગરનો 9 વર્ષનો માસૂમ બાળક હર્ષ કિરીટભાઈ પરમાર પરિવાર સાથે ગત (5 જૂન) સાંજે આશરે 5:30 વાગ્યે રિસોર્ટ ગયો હતો. ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે પૂલની અંદર જ બેભાન થઈ ગયો પરિવાર સાથે ઉત્સાહભેર સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલો હર્ષ અચાનક પાણીના ઊંડા ભાગમાં ગરકાવ થઈ ગયો હતો. ફેફસામાં પાણી ભરાઈ જવાને કારણે તે પૂલની અંદર જ બેભાન થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે જહેમત બાદ તેને બહાર કાઢી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતા જોઈને પંચકોષી 'એ' ડિવિઝનના PI શેખ સહિતનો પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે રિસોર્ટના તમામ સરકારી દસ્તાવેજો અને CCTV ફૂટેજ કબજે લીધા છે. પૂલ પર લાઈફગાર્ડ હાજર હતો કે, નહીં અને રિસોર્ટ તંત્રની બેદરકારી અંગે ઘનિષ્ઠ તપાસ શરૂ કરાઈ છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) કામરેજ: માતા કપડાં બદલવા ગઈ ને એકના એક પુત્રનું ડૂબી જવાથી મોત સૌથી વધુ કાળજું કંપાવનારી ઘટના સુરતના કામરેજ તાલુકાના હલધરૂ ગામે આવેલા 'ઈકો વિલેજ ફાર્મહાઉસ'ના ફાર્મ નં. 02માં ઘટી છે. ગતરોજ (5 જૂને) ખોલવડ ગામની સ્ટાર પવિત્રનગરી સોસાયટીની મહિલાઓ સવારે એક ટેમ્પો ભાડે કરીને અહીં વન-ડે પિકનિક માટે આવી હતી. કેમેરા ફિટિંગનો વ્યવસાય કરતા પરશોત્તમભાઈ તળાવીયાનો ધોરણ-3માં ભણતો 8 વર્ષનો એકનો એક દીકરો ધર્મ તળાવીયા પણ તેની માતા સાથે ગયો હતો. ધર્મને પાણીમાં ડૂબેલો જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ સવારે આશરે 9:30 વાગ્યે જ્યારે સોસાયટીની મહિલાઓ સ્વિમિંગ પૂલમાં નહાતા પહેલાં કપડાં બદલવા ગઈ, ત્યારે ધર્મે અન્ય બાળકો સાથે બાજુમાં હિંચકા પાસે રમતો હતો. માસૂમ ધર્મ રમતાં-રમતાં અચાનક સ્વિમિંગ પૂલના ઊંડા પાણીમાં ખાબક્યો હતો. થોડી જ મિનિટોમાં મહિલાઓ બહાર આવી ત્યારે, ધર્મને પાણીમાં ડૂબેલો જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. સ્થાનિક રેશ્માબેને પૂલમાં કૂદીને તેને બહાર કાઢ્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતાં સુધીમાં માસૂમે દમ તોડી દીધો હતો. એકના એક વહાલસોયા પુત્રના મોતથી માતાપિતા પર આભ તૂટી પડ્યું છે. કામરેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) તંત્ર સામે જનતાનો આક્રોશ આ ત્રણેય ઘટના બાદ લોકોની સુરક્ષા પર કેટલાક સવાલો ઊભા થાય છે. જેમ કે, લાઈફગાર્ડની ફરજિયાત હાજરી ક્યાં?, ગેરકાયદેસર ફાર્મહાઉસ પર લગામ ક્યારે? અને આ માસૂમોના મોતનો જવાબદાર કોણ? સરકારી નિયમો અનુસાર કોઈપણ કોમર્શિયલ સ્વિમિંગ પૂલ કે વોટર પાર્કમાં સર્ટિફાઇડ લાઈફગાર્ડ તહેનાત હોવા અનિવાર્ય છે. તો આ ત્રણેય ઘટના વખતે લાઈફગાર્ડ ક્યાં ગાયબ હતા? કામરેજ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં ભાડે અપાતાં ખાનગી ફાર્મહાઉસના પૂલ માટે કોઈ ચોક્કસ સુરક્ષા ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહીં તેનું ચેકિંગ કેમ નથી થતું? નફો કમાવવાની લહાયમાં લોકોની જિંદગી સાથે ખિલવાડ કરતા સંચાલકો સામે માત્ર 'અકસ્માત મોત'નો ગુનો કેમ? ગુજરાતમાં 24 કલાકમાં બનેલી આ ત્રણેય ઘટના આંખ ઉઘાડનારી છે. જ્યાં સુધી વહીવટી તંત્ર આવા રિસોર્ટ અને વોટર પાર્કના લાયસન્સ, સેફ્ટી ઓડિટ અને ફાયર સેફ્ટીની કડક તપાસ નહીં કરે, ત્યાં સુધી આવા માસૂમ બાળકોના જીવ જોખમમાં મુકાતા રહેશે. વાલીઓએ પણ પોતાના બાળકોને પાણીની આસપાસ એકલા ન છોડવા માટે અત્યંત સાવધ રહેવાની જરૂર છે.
Read Original Article →