તપાસ:કાર દીવાલ સાથે અથડાતા દારૂના 4704 ચપલા મૂકીને ચાલક ફરાર

Gujarat5/28/2026, 12:00:00 AM
જામનગરની ભાગોળે ખીમરાણા ગામે રાત્રે ફિલ્મી ઢબે પીછો કરી કારમાંથી ઇંગ્લીશ દારૂના રૂા. 4.05 લાખની કિંમતના 4704 ચપલાનો જથ્થો પકડી પાડયો હતો.કાર શાળાની દિવાલ સાથે અથડાઇ જતા ચાલક મુકીને ફરાર થયાનુ સામે આવ્યુ હતુ.જે બનાવમાં પોલીસે કાર ઉપરાંત દારૂના માતબર જથ્થા સહિત રૂા. 11.05 લાખનો મુદામાલ કબજે કરી નંબરના આધારે કારમાલિક-ચાલકની શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ દારૂ પ્રકરણમાં એક સ્થાનિક રહીશે કારમાંથી દારૂ લૂંટવાનો પ્રયાસ કરી પોલીસ સાથે ઝપાઝપી કરી ફરજમાં રૂકાવટ કરવા અંગે ગુનો નોંધાયો છે. સુમાહિતગાર સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર જામનગર પંચ એ પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. જે વેળાએ પોલીસ ટીમને ચોકકસ નંબરની કારમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો જામનગર તરફ રવાના કરાયો હોવાની બાતમી મળી હતી.જે કાર ફલ્લાથી ખીજડીયા બાયપાસ તરફ આવી રહી હોવાની માહિતીના આધારે પોલીસે રાજકોટ ઘોરીમાર્ગ પર આડશ સાથે વોચ ગોઠવી હતી. જે દરમિ્યાન પોલીસે શંકાસ્પદ કારને રોકવાનો ઇશારો કરતા ચાલકે કાર ફુલસ્પીડમાં ચલાવી નાશી છુટયો હતો.જેનો પોલીસે પીછો કરતા ખીમરાણાની સરકારી શાળાની પાછળના રસ્તે દિવાલ સાથે કાર અથડાઇ જતા ચાલક મુકીને નાશી છુટયાનુ સામે આવ્યુ હતુ. જેની પોલીસે તલાશી લેતા અંદરથી રૂા. 7.05 લાખની કિંમતના ઇંગ્લીશ દારૂના 4704 ચપલાનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે દારૂ અને કાર સહિત રૂા. 11.05 લાખનો મુદામાલ કબજે કરી નંબરના આધારે કાર માલિક-ચાલક સહિતનાની શોધખોળ હાથ ધરી છે.દારૂ પ્રકરણ સંબંધિત જુદા જુદા વિડીયો પણ વાયરલ થયા હોવાનુ બહાર આવ્યુ હતુ. દારૂ લૂંટવાનો પ્રયાસ, ફરજમાં રૂકાવટ મામલે ગુનો દારૂ પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થાનિક શખસ સામે ફરીયાદ દાખલ કરાઇ છે જેમાં કારમાંથી દારૂની બોટલો જપ્ત કરવાની પોલીસ કાર્યવાહી કરી રહી હતી, ત્યારે તેમાં હસ્તક્ષેપ કરી દારૂ બોટલોની લૂંટના પ્રયાસના આરોપ સાથે પોલીસે પકડતા છાતીના ભાગે કોણી મારી મુંઢ ઇજા કરી ફરજમાં રૂકાવટ અંગે દેવરાજ દિનેશભાઇ ગોહિલ સામે પંચ એ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઇ છે.
Read Original Article →