ધ્રોલ પેટ્રોલ પંપમાં ₹14 લાખની ઉચાપત:મેનેજરની ગેરહાજરીમાં વહીવટદારે રકમ અંગત કામમાં વાપરી નાખી; પૈસા માગ્યા તો ધમકી આપી; ફરિયાદ દાખલ

Gujarat6/9/2026, 5:45:47 AM
ધ્રોલ પેટ્રોલ પંપમાં ₹14 લાખની ઉચાપત:મેનેજરની ગેરહાજરીમાં વહીવટદારે રકમ અંગત કામમાં વાપરી નાખી; પૈસા માગ્યા તો ધમકી આપી; ફરિયાદ દાખલ
જામનગર જિલ્લાના ધ્રોલ સ્થિત 'જય દ્વારકાધીશ પેટ્રોલિયમ' પંપમાં ₹14,06,857 ની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે. પંપના એક ભાગીદારે મેનેજર સામે વિશ્વાસઘાત, ઉચાપત અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસમાં ફરિયાદી કેતનભાઈ લાલજીભાઈ પરમાર, જે પેટ્રોલ પંપના ભાગીદાર છે, તેમણે દાઉદશા અનવરશા શાહમદાર સામે ફરિયાદ નોંધાવી છે. દાઉદશા પંપના કર્મચારી તરીકે કાર્યરત હતો. આ ઘટના ધ્રોલના ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલા 'જય દ્વારકાધીશ પેટ્રોલિયમ' પંપ પર બની હતી. ફરિયાદ અનુસાર, વર્ષ 2018 થી કાર્યરત આ પેટ્રોલ પંપનું સંચાલન ચાર ભાગીદારો દ્વારા થાય છે. પંપના મુખ્ય મેનેજર નિશાંતભાઈ રજા પર ઉતરતા, 2 ડિસેમ્બર 2025 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પંપનો સંપૂર્ણ વહીવટ આરોપી દાઉદશા શાહમદારને સોંપવામાં આવ્યો હતો. આ 20 દિવસના ગાળામાં પેટ્રોલ અને ડીઝલનું કુલ ₹44,95,368 નું વેચાણ થયું હતું. જોકે, ભાગીદારોએ હિસાબની ચકાસણી કરતા બેંક ખાતામાં અને રોકડ હિસાબમાં માત્ર ₹30,88,511 જ જમા થયા હોવાનું જણાયું. આમ, કુલ હિસાબમાં ₹14,06,857 નો તફાવત સામે આવ્યો હતો. હિસાબ અંગે પૂછપરછ કરાતા, આરોપી દાઉદશાએ આ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ, દાઉદશા અને તેના ભાઈ રફીકશા અનવરશા શાહમદારે 17 જાન્યુઆરી 2026 ના રોજ એક નોટરી લખાણ દ્વારા નિયત સમયમાં રકમ પરત ચૂકવી દેવાની ખાતરી આપી હતી. જોકે, સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવા છતાં નાણાં પરત કરવામાં આવ્યા નહોતા. ભાગીદારોએ પોતાના હકના રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા, આરોપી દાઉદશાએ ગોળમટોળ જવાબો આપ્યા હતા. તેણે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી 'તમારાથી જે થાય તે કરી લેજો, રૂપિયા આપવાના નથી' તેમ કહી ફરિયાદીના હાથ-પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે, પેટ્રોલ પંપના ભાગીદાર કેતનભાઈ પરમારે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી દાઉદશા અનવરશા શાહમદાર વિરુદ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી, ઉચાપત અને ગુનાહિત ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →