ધ્રોલમાં જૈન ટ્રસ્ટની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો:લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ
જામનગર જિલ્લાના ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીન પર ગેરકાયદે કબજો જમાવવા બદલ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો છે. ચોકીદારને રહેવા માટે અપાયેલી ઓરડી ગેરકાયદે કબજો જમાવ્યો
ધ્રોલ જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટના ટ્રસ્ટી વિશ્વાસભાઈ યોગેશકુમાર મહેતાએ આ અંગે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. ફરિયાદ મુજબ, ધ્રોલ ગામમાં પંચવટી સોસાયટી સામે આવેલી ટ્રસ્ટની સીટી સર્વે નં. 3865 હેઠળની કુલ 4731.93 ચોરસ મીટર જમીન ટ્રસ્ટની માલિકીની છે. રાજકોટના સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા ટ્રસ્ટના સંચાલન માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 1983માં લાલજીભાઈ કારાભાઈ પઢીયારને ટ્રસ્ટની મિલકતમાં ચોકીદાર તરીકે રાખવામાં આવ્યા હતા અને તેમને ફરજ બજાવવા માટે એક ઓરડી આપવામાં આવી હતી. જોકે, બાદમાં તેમણે આ ઓરડી પર ગેરકાયદે કબજો જમાવી લીધો હતો અને વારંવાર કહેવા છતાં જગ્યા ખાલી કરી નહોતી. 5000થી 7000 ચોરસ ફૂટ વિસ્તારમાં નવા બાંધકામો ઊભા કર્યા
આ ઉપરાંત, છેલ્લા ઘણા વર્ષોમાં લાલજીભાઈ પઢીયાર તથા તેમના પુત્રો ગોવિંદભાઈ લાલજીભાઈ પઢીયાર અને કાનજીભાઈ લાલજીભાઈ પઢીયારે મળીને આશરે 5000 થી 7000 ચોરસ ફૂટ વિસ્તારમાં નવા બાંધકામો ઊભા કર્યા છે. જેમાં પાંચથી સાત રૂમ, બેઠક વ્યવસ્થા અને ફળઝાડનું વાવેતર સહિતનો વિકાસ ટ્રસ્ટની મંજૂરી કે સ્થાનિક સત્તાધિકારીઓની પરવાનગી વિના કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસે મિલકત અંગે કોઈ માલિકી હક, દસ્તાવેજી આધાર કે કાયદેસર અધિકાર નથી, તેમ છતાં તેઓ લાંબા સમયથી કબજો ભોગવી રહ્યા છે. ટ્રસ્ટ અને જૈન સમાજના આગેવાનો સામે વિવિધ પોલીસ મથકો અને સરકારી કચેરીઓમાં ખોટી ફરિયાદો કરીને હેરાનગતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ છે. ખોટા એટ્રોસિટી કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપી
ફરિયાદીના જણાવ્યા અનુસાર, મિલકત ખાલી કરાવવા અથવા કાયદેસર કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરનાર વ્યક્તિઓને ખોટા એટ્રોસિટી કેસોમાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. ટ્રસ્ટ દ્વારા આશરે રૂ. 2 કરોડથી વધુ બજાર કિંમત ધરાવતી આ મિલકત ગેરકાયદે રીતે પચાવી પાડી તેનો ઉપયોગ અને કબજો ચાલુ રાખવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જેના કારણે આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પિતા પુત્ર ત્રણેય સામે ધ્રોળ પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Read Original Article →