દારૂની લૂંટનો પ્રયાસ ને પોલીસ પર હુમલો કરનાર જેલહવાલે:યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો

Gujarat5/28/2026, 9:51:48 AM
દારૂની લૂંટનો પ્રયાસ ને પોલીસ પર હુમલો કરનાર જેલહવાલે:યુવા કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને કોર્ટે જેલહવાલે કરવાનો હુકમ કર્યો
જામનગરમાં ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો અને દારૂ લૂંટવાના પ્રયાસના ગંભીર કેસમાં જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને અદાલતે જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. પંચકોશી એ-ડિવિઝન પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ વકીલોની દલીલોને ધ્યાને લઈ આ નિર્ણય લેવાયો હતો. આ ઘટના જામનગરના પંચકોશી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બની હતી. પોલીસ કર્મચારી નિર્મલસિંહ જાડેજા અને અન્ય સાક્ષીઓ દારૂ ભરેલી ઇનોવા કાર પકડીને જપ્તીની કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા. તે સમયે દેવરાજ ગોહિલ ત્યાં ધસી આવ્યા હતા અને પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી હતી. આરોપી દેવરાજ ગોહિલે ઇનોવા કારમાંથી ઇંગ્લિશ દારૂની બોટલો લૂંટી લેવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ફરિયાદી નિર્મલસિંહ જાડેજાએ તેમને પકડવાનો પ્રયાસ કર્યો, ત્યારે દેવરાજ ગોહિલે તેમની ફરજમાં રૂકાવટ ઊભી કરી. તેમણે ફરિયાદીને છાતીના ભાગે કોણી મારીને મૂઢ ઇજા પહોંચાડી હતી. આ ગુના અંગે પંચકોશી એ-ડિવિઝન પોલીસ મથકમાં કલમ-121(1) અને 309(5) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ કરનાર અધિકારી દ્વારા આરોપી દેવરાજ ગોહિલની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી દેવરાજ ગોહિલને આજે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટમાં વકીલો દ્વારા કરવામાં આવેલી ધારદાર દલીલો અને કેસની ગંભીરતાને ધ્યાનમાં લીધા બાદ, અદાલતે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ દેવરાજ ગોહિલને જેલ હવાલે કરવાનો કડક હુકમ ફરમાવ્યો છે.
Read Original Article →