ઠગાઈ:કોન્ટ્રાકટર યુવાન સાથે જમીનના સોદાના નામે 5 લાખની છેતરપિંડી
જામનગરમાં રહેતા પરપ્રાંતીય યુવાન સાથે જમીનના સોદા બાબતે એક શખ્સે 5 લાખની છેતરપિંડી કરી દસ્તાવેજ અન્યને કરી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જામનગરના ઢીચડા રોડ પર આવેલ રવિપાર્ક ટાઉનશીપ, શેરી નંબર-3/બી, મા રહેતા મૂળ પ્રાયગરાજ ઉત્તરપ્રદેશના વતની અને મોટી ખાવડી નજીક આવેલી ખાનગી કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા યુવાન ક્રુષ્ણકાંત આશિકાપ્રસાદ યાદવે પોતાની સાથે છેતરપિંડી મામલે આરોપી દિનેશસિંહ શીવુભા કંચવા (રહે. મેઘપર તા.લાલપુર જી.જામનગર) સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર આરોપી દિનેશે ફરિયાદી સાથે જમીનનો સોદો કરાવી આપવાનુ કહી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં રૂ. 5,00,000 લઈ જમીનના માલિકના પુત્રવધુના બેન્ક ખાતામા જમીનના સોદા પેટે ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં રકમ જમીન માલિક સાથે થયેલ સોદામા ગણાવી લઇ તે જમીનનો સોદો અન્ય વ્યક્તિ સાથે કરી તેઓના નામે જમીનનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી આપ્યો હતો આમ ફરિયાદીન તેઓની રકમ પરત નહી આપી વિશ્વાસઘાત કરતા મામલો મેઘપર પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે આરોપી દિનેશસિંહ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છેતરાયેલા યુવાન દ્વારા પોતાના પૈસા માટે અવારનવાર ઉઘરાણી કરવામાં આવી હતી પરંતુ પરત ન મળતા કંટાળીને પોલીસમાં રાવ કરી છે.
Read Original Article →