બેદરકારી:જામનગર શહેરમાં વસ્તી ગણતરીની તાલીમ 600 શિક્ષકોને બુકલેટ વગર જ આપી દેવાઈ

Gujarat5/16/2026, 12:00:00 AM
જામનગર શહેરમાં જનગણના-2027ની કામગીરી આગામી તા.17 મે 2026ના રોજ શરૂ થનાર છે. ત્યારે શહેરના 1200 જેટલા શિક્ષકોને બે બેન્ચમાં મહિલા કોલેજમાં તાલીમ આપવામાં આવી રહી છે. ઘરે-ઘરે જઈને જનગણનાની કરવાની થતી કામગીરી અંગેની તાલીમ આપવામાં આવી છે. પરંતુ જનગણનાની બુકલેટ માટે બે-ત્રણ ધક્કાઓ ખવડાવવામાં આવતા શિક્ષકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. ઘરયાદી અને મકાનોની ગણતરી માટેની સૂચના માર્ગદર્શિકા માટેની કામગીરી અંગે સર્વેની પણ તાલીમ આપવામાં આવી હતી. જામનગ શહેરમાં વસ્તી ગણતરીની કામગીરી વિવાદો વચ્ચે શરૂ થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. જામનગર મહાનગરપાલીકા દ્વારા વસ્તી ગણતરી માટેની શિક્ષકોને તાલીમ આપવા માટેની શહેરની મહિલા કોલેજમાં 1200 શિક્ષકો માટેની બે બેન્ચીસમાં 600-600 શિક્ષકો માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં પ્રથમ બેંચને બુકલેટ વગર જ તાલીમ આપી દેવામાં આવી હતી અને બુકલેટ માટે ફરી મેસેજ કરીને બોલાવવામાં આવ્યા હતા. જેમાં શિક્ષકોને બુકલેટ માટે બે-ત્રણ ધક્કા ખાવા પડ્યા હતા. ત્યારે બુકલેટ આપવામાં આવતા શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહી છે. જે અંગેની શિક્ષક સંગઠન દ્વારા પત્ર દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત પણ કરી છે. આ દરમિયાન શિક્ષકોને તાલીમમાં ઘરે-ઘરે જઈને માહિતી કેમ લેવાની તે અંગેની પણ તાલીમ આપવામાં આવી છે. ​ખરો તમાશો તાલીમ પૂરી થયા પછી શરૂ થયો છે. શિક્ષકોને વસ્તી ગણતરીની બુકલેટ લેવા માટે વારંવાર ધક્કા ખવડાવવામાં આવ્યા હતા. એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ વહીવટી તંત્રની આડોડાઈને કારણે શિક્ષકોએ બે થી ત્રણ વખત ધક્કા ખાવા પડતા તેઓ ભારે આક્રોશમાં જોવા મળ્યા હતા. પીએમના પેટ્રોલ-ડીઝલ બચાવવાના આહવાનના ધજાગરાના લીરા ઉડ્યા એક તરફ પીએમ નરેન્દ્રભાઈ મોદી પ્રેટ્રોલ-ડીઝલ બચાવવા માટે આહવાન કરી રહ્યા છે. ત્યારે જામનગર શહેરમાં શિક્ષકોને ભોજન માટેની બપોરે વ્યવસ્થા ન કરીને બે કલાક રીશેષ આપવામાં આવી. જેથી 600 જેટલા શિક્ષકો બપોરના સમયે મોટર સાયકલો લઈને ઘરે જમવા માટે જતા હતા. હવે ભોજનના પૈસા શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.
Read Original Article →