જામનગરમાં સગીરાનું અપહરણ કરનાર મંગેતરના કાકા ઝડપાયા:ભાવનગરના ઢસા પાસેથી સગીરા સાથે આરોપીની ધરપકડ
જામનગર શહેરના ગોકૂલનગર વિસ્તારમાંથી સત્તર વર્ષની એક સગીરાનું અપહરણ કરનાર આરોપીને પોલીસે ભાવનગર નજીક ઢસા પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી સગીરાના મંગેતરનો કુટુંબીકાકા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સગીરાની મેડિકલ તપાસણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગોકૂલનગરની આ સગીરાનું થોડા દિવસ પહેલાં જામનગરના એક યુવક સાથે સગપણ થયું હતું. સગપણ બાદ તે મંગેતરના કુટુંબીકાકા, કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામના જીગર કરશનભાઇ રામકબીરના સંપર્કમાં આવી હતી. તેઓ મોબાઈલ ફોન અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે વાતચીત કરતા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, ગત ૨૧મી તારીખે સગીરા અચાનક ઘરેથી લાપતા થઈ ગઈ હતી. આસપાસ શોધખોળ કરવા છતાં તેનો કોઈ પત્તો ન મળતાં, પરિવારને મંગેતરના કુટુંબીકાકા જીગર દ્વારા જ સગીરાને ભગાડી જવામાં આવી હોવાની શંકા ગઈ હતી. આ અંગે સિટી “સી” ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે સિટી સી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે મોબાઈલ ફોનની વિગતો, સોશિયલ મીડિયા પરના સંપર્કો અને સંભવિત સ્થળોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે, પોલીસ ટીમોએ ભાવનગર પંથકના ઢસા ગામ સુધી તપાસ લંબાવી ત્યાંથી આરોપી જીગર અને સગીરા બંનેને શોધી કાઢ્યા હતા. બંનેને આજે સવારે જામનગર લાવવામાં આવ્યા હતા, જ્યાં આરોપી જીગરની ધરપકડ કરવામાં આવી છે. સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું જાણવા મળતા, તેની સામે પોકસો (POCSO) ઉપરાંત દુષ્કર્મની કલમો પણ ઉમેરવામાં આવી રહી છે.
Read Original Article →