અનંત અંબાણીનો 31મો જન્મદિવસ જામનગરમાં ઉજવાયો:રિલાયન્સ ટાઉનશીપની આસપાસના ગામોમાં ભોજન સમારંભ, રાત્રે લોક ડાયરાનું આયોજન કરાયું
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક સમુદાય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સેવા અને પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. આગામી 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે, રિલાયન્સ ટાઉનશીપ અને તેની આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અંબાણી પરિવારે પડોસી ગામોના નાગરિકોને આ ઉત્સવમાં સામેલ કર્યા હતા. આ પ્રસંગે, મોટી સંખ્યામાં ભૂદેવો અને બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંત્રોચ્ચાર સાથે અનંત અંબાણીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. શાસ્ત્રોના જ્ઞાન સાથે જોડાયેલા વિદ્વાનોએ તેમના દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી. મહાપ્રસાદ લેવા આવેલી તમામ મહિલાઓ અને દીકરીઓને ભેટ સ્વરૂપે સાડી અર્પણ કરવામાં આવી હતી. આ સન્માનથી પ્રભાવિત મહિલાઓએ અનંત અંબાણીને "સો વર્ષના થાઓ અને હંમેશા તંદુરસ્ત રહો" તેવા હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા હતા. લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરો આ જશ્નના ભાગરૂપે 09 એપ્રિલના રોજ મોટી ખાવડી પાસે આવેલા જોગવડ ગામમાં લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંચ પરથી સાઈરામ દવે અને રાજભા ગઢવી જેવા દિગ્ગજ કલાકારો લોકસાહિત્યની રમઝટ બોલાવશે, જેમાં અંબાણી પરિવારના સભ્યો પણ હાજરી આપે તેવી શક્યતા છે.
Read Original Article →