ડ્રગ્સના બે આરોપી જેલભેગા:PIT NDPS હેઠળ અમદાવાદ અને ભુજ જેલમાં મોકલાયા
જામનગર SOGએ ડ્રગ્સના કાળા કારોબારમાં સંડોવાયેલા બે રીઢા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. ગુજરાત રાજ્યને નશામુક્ત કરવાના અભિયાન હેઠળ, આ બંને આરોપીઓ વિરુદ્ધ P.I.T. N.D.P.S. એક્ટ હેઠળ અટકાયત કરવામાં આવી છે અને તેમને જુદી-જુદી મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયા છે. અટકાયત કરાયેલા શખ્સોમાં ધ્રોલના ગાયત્રીનગરનો જાવીદ કાસમભાઈ જામ (વાઘેર) અને જામનગરના સેતાવાડ, સેન્ટ્રલ બેંક પાછળ રહેતો રીઝવાન મહમદભાઈ કોરેજાનો સમાવેશ થાય છે. જાવીદ જામને અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરાયો છે, જ્યારે રીઝવાન કોરેજાને ભુજ મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયો છે. રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સ અને નશીલા દ્રવ્યોના વેપારને ડામવા માટે ગૃહ વિભાગ, CID ક્રાઈમ (ગાંધીનગર) અને રાજકોટ વિભાગના DIG નિર્લિપ્ત રાય તેમજ જામનગર SP ડો. રવિ મોહન સૈની દ્વારા ખાસ માર્ગદર્શન અપાયું હતું. જાહેર સ્વાસ્થ્ય અને કાયદો-વ્યવસ્થા જાળવવા SOG ટીમને આવા તત્વો સામે કડક પગલાં લેવા સૂચના અપાઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઇસમો માદક પદાર્થોના વેપાર દ્વારા પ્રજાના જાહેર સ્વાસ્થ્યને જોખમમાં મૂકતા હતા અને લોકોમાં આર્થિક પાયમાલી સર્જતા હતા. તેમની ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી SOG ઇન્ચાર્જ PI વી.બી. ચૌધરી, PSI એલ.એમ. ઝેર, PSI એ.વી. ખેર અને સમગ્ર SOG સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી.
Read Original Article →