વન્યપ્રાણીઓનું નિવાસસ્થાનમાં જતન:વન્યજીવો માટે 23 કૃત્રિમ વોટરપોઇન્ટદીપડા-હરણ જેવા પ્રાણીઓ કેમેરામાં કેદ
ઉનાળાની તિવ્ર ગરમી, પાણીની અછત વચ્ચે અબોલ વન્ય જીવોની તરસ છિપાવવા માટે જામનગર વન વિભાગે માનવીય અભિગમ અપનાવ્યો છે. વન્યપ્રાણીઓને તેમના કુદરતી રહેઠાણમાં જ સરળતાથી પાણી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા કુલ 23 કૃત્રિમ વોટરપોઈન્ટ કાર્યરત કરાયા છે, જે હાલમાં વન્યજીવો માટે ખરા અર્થમાં જીવનદાયી સાબિત થઈ રહ્યા છે. જેમાં પાણીની સતત ઉપલબ્ધતા જાળવી રાખવા માટે ક્ષેત્રીય સ્ટાફ દ્વારા રાત-દિવસ દેખરેખ રાખવામાં આવે છે. આ વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે સોલાર વોટર પંપ, પાણીના ટેન્કર તેમજ ડંકી જેવા આધુનિક અને પરંપરાગત માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સુવિધાને કારણે વન્યજીવોને ઉનાળાના કપરા સમયમાં પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ભટકવાની જરૂર પડતી નથી. વન્યપ્રાણીઓની સુરક્ષા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે વન વિભાગ દ્વારા વોટરપોઈન્ટ્સ પર ટ્રેપ કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. આ કેમેરાના ફૂટેજમાં શિડયુલ-1 હેઠળ આવતા અત્યંત મહત્વના પ્રાણીઓ જેવા કે દીપડા, રાષ્ટ્રીય પક્ષી મોર, વિવિધ તૃણાહારી પ્રાણીઓ જેવા કે હરણ, નીલગાય અને પક્ષીઓ નિર્ભય બનીને પાણી પીતા હોવાનું સ્પષ્ટપણે નોંધાયું છે.
Read Original Article →