માનવતાવાદી:જામનગર શહેરમાં ફૂટપાથ પર રહેતા 21 શ્રમિકોને રેન બસેરામાં આશરો અપાવ્યો

Gujarat5/25/2026, 12:00:00 AM
માનવતાવાદી:જામનગર શહેરમાં ફૂટપાથ પર રહેતા 21 શ્રમિકોને રેન બસેરામાં આશરો અપાવ્યો
​જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે જામનગર પોલીસ દ્વારા એક સરાહનીય માનવતાવાદી પહેલ કરવામાં આવી છે. ફૂટપાથ પર ખુલ્લામાં જીવન વ્યતીત કરતા મજૂર વર્ગના પરિવારોને સુરક્ષિત આશરો મળી રહે તે હેતુથી પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જામનગર શહેરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ડોડીયાની સૂચના મુજબ સર્વેલન્સ સ્ક્વોડના સ્ટાફે નાઇટ રાઉન્ડ દરમિયાન ફૂટપાથ પર રહેતા લોકોનો સંપર્ક કર્યો હતો. ​ પોલીસ ટીમે ટાઉનહોલ ભીડભંજન મહાદેવ મંદિરની સામેના ભાગે તથા પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે જાહેર રોડ પર રાત વિતાવતા શ્રમિકોનું યોગ્ય કાઉન્સિલિંગ કર્યું હતું. ત્યારબાદ 9 જેટલી વ્યક્તિઓને પોલીસના સરકારી વાહનમાં બેસાડીને બેડી વિસ્તારમાં આવેલા સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. તેમજ સીટી સી ડિવિઝનના પીઆઈ એન.બી.ડાભીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા શહેરના દિગ્જામ ર્સકલ ઓવર બ્રીજ નીચે તથા ખોડીયાર કોલોની માલધારી હોટલ પાસે તેમજ આશાપુરા ર્સકલ પાસે જાહેર ફુટપાથ પર જીવન વ્યતિત કરતા 12 વ્યક્તિઓ સાથે કાઉન્સેલીંગ કરી બેડી વિસ્તારમાં આવેલ સેલ્ટર હોમ (રેન બસેરા) ખાતે સરકારી વાહનમાં પહોંચાડવામાં આવ્યા હતા. સીટી બી ડિવિઝનમાં એન.એમ.ગઢવીની ટીમ દ્વારા ટાઉન હોલ, અંબર ચોકડી સહિતના વિસ્તારમાં આવેલ 7 વ્યક્તિને સેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમના રહેવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર પોલીસના આ સેવાકીય કાર્યની સ્થાનિક લોકોમાં ભારે પ્રશંસા થઈ રહી છે.
Read Original Article →