ઉનાના ખાપટ નજીક જંગલમાં આગ:ફાયર ટીમ અને સ્થાનિકોની મદદથી કાબૂ, અનેક વૃક્ષોને નુકસાન
ઉના તાલુકાના ખાપટ અને વડવિયાળા વચ્ચે લીલીફુઇ ના નાળા પાસે આવેલા વન વિભાગના વિસ્તરણ ફોરેસ્ટ વિસ્તારમાં સાંજના સમયે અચાનક આગ લાગી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ઉના નગરપાલિકાની ફાયર ટીમ અને સ્થાનિક ગ્રામજનોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. આ વિસ્તાર સિંહની અવરજવર માટે જાણીતો છે. અગમ્ય કારણોસર લાગેલી આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ નજીકની વાડીઓ સુધી પ્રસરે નહીં તે માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને આસપાસના વાડી માલિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આગની જાણ થતાં જ ઉના નગરપાલિકાના ફાયર ફાઈટરને બોલાવવામાં આવ્યા હતા. ફાયર ટીમ પહોંચે તે પહેલાં સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ફાયર ફાઈટર પહોંચતા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરાઈ હતી. વિસ્તરણ વિભાગનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સદનસીબે, આગની ઘટના સમયે સિંહની હાજરી ન હોવાથી વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો. કલાકોની જહેમત બાદ આખરે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જોકે, આ ઘટનામાં અનેક વૃક્ષોને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.
Read Original Article →