માસૂમ બાળક પર ત્રણ શ્વાનનો હુમલો, CCTV:નીચે પાડી આડેધડ બચકાં ભર્યા, ચીસાચીસ સાંભળી પડોશીઓ દોડી આવ્યા, શ્વાનોને ભગાડી બાળકને બચાવ્યો, હાથ-પગના ભાગે ઇજા
શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે (18 મે) સાંજે ઉના શહેરની જસરાજ નગર સોસાયટીમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીમાં ઘર પાસે રમી રહેલા એક માસૂમ બાળક પર અચાનક ત્રણ રખડતા શ્વાનોએ હિંસક હુમલો કરી દીધો હતો. શ્વાનોએ બાળકને નીચે પાડી દઈ આડેધડ બચકાં ભરવાનું શરૂ કર્યું હતું, જેના કારણે બાળકને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકની ચીસાચીસ સાંભળીને આજુબાજુના પડોશીઓ તાત્કાલિક લાકડીઓ લઈને દોડી આવ્યા હતા અને શ્વાનોને ભગાડ્યા હતા. પડોશીઓની સમયસૂચકતા અને ત્વરિત પગલાંને કારણે બાળકનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે. તંત્રની લાચારી અને સ્થાનિકોમાં ફેલાયેલો ભય ઉના શહેરના વિવિધ સોસાયટી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો આતંક અતિશય વધી ગયો છે. સ્થાનિક રહીશો દ્વારા આ અંગે નગરપાલિકામાં અનેક વખત લેખિત તથા મૌખિક ફરિયાદો કરવામાં આવી છે, પરંતુ તંત્ર આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં તદ્દન વામણું પૂરવાર થયું છે. સરકારી સ્તરે ઉના શહેરમાં રખડતા શ્વાનોને પકડવા કે પાંજરે પૂરવા માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા જ ઊભી કરવામાં આવી નથી, જેને કારણે તંત્ર પણ લાચાર દેખાઈ રહ્યું છે. વાલીઓમાં ચિંતા હાલ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હોવાથી બાળકો સામાન્ય રીતે ઘરમાંથી બહાર સોસાયટીમાં રમવા નીકળતા હોય છે. પરંતુ શ્વાનોના વધતા ત્રાસને કારણે વાલીઓ હવે પોતાના બાળકોને ઘરની બહાર એકલા મોકલતા પણ ભારે ડર અને ચિંતા અનુભવી રહ્યા છે. શું કહેવું છે નગરપાલિકાના અધિકારીનું? આ ગંભીર જનસમસ્યા અને જસરાજ નગરની ઘટના અંગે ઉના નગરપાલિકાના ચીફ ઓફિસર ચૌહાણનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર તરફથી હાલમાં શ્વાનના રસીકરણ (Vaccination) માટેનો એક વિશેષ કાર્યક્રમ મંજૂર થયેલો છે. આગામી દિવસોમાં આ યોજના અંતર્ગત શહેરમાં શ્વાનનું રસીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે, સ્થાનિકોનું માનવું છે કે, માત્ર રસીકરણથી શ્વાનો કરડવાની કે હુમલો કરવાની પ્રવૃત્તિ બંધ નહીં થાય, આ માટે કોઈ નક્કર અને કાયમી ઉકેલ જરૂરી છે. સામાજિક સંસ્થાઓ આગળ આવે તેવી માગ હાલ વેકેશનના માહોલમાં બાળકો સુરક્ષિત રીતે રમી શકે તે માટે વાલીઓએ પણ વિશેષ તકેદારી રાખી બાળકો પર નજર રાખવી જરૂરી બની ગઈ છે. આ સાથે જ, શહેરના જાગૃત નાગરિકો માગ કરી રહ્યા છે કે સ્થાનિક સામાજિક સંસ્થાઓએ પણ આ બાબતે આગળ આવવું જોઈએ. સોસાયટીઓમાં શ્વાનના હુમલાથી બાળકોને કેવી રીતે બચાવવા અને આવી કટોકટીની સ્થિતિમાં શું કરવું, તે અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
Read Original Article →