ગીરના 3 સિંહના મોત, 35-40 સિંહો પર સંકટનો દાવો:સિંહપ્રેમીએ કહ્યું, "ભૂખથી લાચાર વનરાજ સડેલું માંસ ખાવા મજબૂર, પોતે તાજો શિકાર કરે તો લોકો ભગાડી દે છે"

Gujarat5/27/2026, 1:22:16 PM
ગીરના 3 સિંહના મોત, 35-40 સિંહો પર સંકટનો દાવો:સિંહપ્રેમીએ કહ્યું, "ભૂખથી લાચાર વનરાજ સડેલું માંસ ખાવા મજબૂર, પોતે તાજો શિકાર કરે તો લોકો ભગાડી દે છે"
વિશ્વભરમાં એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરમાં વનરાજની સુરક્ષાને લઈને એક ચોંકાવનારો અને ચિંતાજનક ખુલાસો સામે આવ્યો છે. માનવ બેદરકારી અને વન વિભાગની નિષ્ક્રિયતાના કારણે ગીરના સિંહો સડેલા માલઢોર ખાવા મજબૂર બન્યા છે, જેના લીધે તેઓ ગંભીર રોગોનો શિકાર થઈ રહ્યા છે. તાજેતરમાં જ જસાધાર અને જામવાળા વિસ્તારમાં સિંહોના મોતના સમાચારે સિંહપ્રેમીઓમાં વન વિભાગ સામે ભારે આક્રોશ જગાડ્યો છે. 3 સિંહોના મોત, અનેક હોસ્પિટલના બિછાને ગીરગઢડાના સિંહપ્રેમી બાલુભાઈ હીરપરા અને છેલ્લા 30-40 વર્ષથી સિંહોની ગતિવિધિઓથી પરિચિત એવા ગીરગઢડાના ખેડૂત કરસનભાઈ બાબરીયાના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં આ પંથકમાં ત્રણ સિંહોના મોત નીપજ્યા છે. ફરેડા-ઝાખીયા વિસ્તારમાંથી ત્રણ બીમાર સિંહોને રેસ્ક્યૂ કરીને જામવાળા સરકારી હોસ્પિટલ અને જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી બે સિંહોના મોત થઈ ચૂક્યા છે અને એક સિંહ અત્યારે પણ મરણ પથારીએ ઝોલા ખાઈ રહ્યો છે. વન્યજીવ પ્રેમીઓના મતે, જસાધાર રેન્જમાં લાવવામાં આવેલા સિંહોમાંથી અત્યાર સુધીમાં પાંચ જેટલા સિંહો કાળનો કોળિયો બની ગયા છે. 'સદાવાળી ધાર' બની સિંહો માટે ડેથ ઝોન ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલી 'સદાવાળી ધાર' નજીક ગ્રામજનો દ્વારા ગામનો કચરો અને મરણ પામેલા પશુઓને બેરોકટોક પણે ઠાલવવામાં આવી રહ્યા છે. આ વિસ્તાર સંપૂર્ણપણે જંગલ બોર્ડરને અડીને આવેલો છે. થોરડી, ભાખા, ફરેડા, ઝાખીયા, ગીરગઢડા, ધાબાવડ અને ઉમેદપરા જેવા વિસ્તારોમાં હાલ 35થી 40 સિંહોનો કાયમી વસવાટ છે અને આ સિંહોની સદાવાળી ધાર નજીક રોજિંદી અવર-જવર રહે છે. ગીરમાંથી બહાર નીકળવા માટે સિંહો ફરેડા અને ઝાંખિયાના રસ્તાનો જ ઉપયોગ કરે છે, જ્યાં જંગલની સરહદ પર જ આ ગંદકી ફેલાયેલી છે. સિંહ પોતે તાજો શિકાર કરે તો લોકો ભગાડી દે છે : સિંહપ્રેમી કરસનભાઈ બાબરીયા અને બાલુભાઈએ સિંહોની આ દયનીય સ્થિતિ પાછળ માનવ દખલગીરીને જવાબદાર ઠેરવી છે. જ્યારે કોઈ સિંહ ગામની આસપાસ આવીને કુદરતી રીતે પશુનું મારણ કરે છે, ત્યારે લોકોના ટોળેટોળા ત્યાં એકઠા થઈ જાય છે અને દેકારો મચાવે છે. આ ખલેલના કારણે સિંહ પોતાનું તાજું મારણ શાંતિથી ખાઈ શકતો નથી અને તેને અધવચ્ચે છોડીને ભાગી જવું પડે છે. સિંહ ગયા બાદ ગામલોકો એ મરેલા પશુને ઉંચકીને 'સદાવાળી ધાર' કે ઉકરડા પર ફેંકી દે છે. 4-5 દિવસ સુધી ભૂખ્યો અને અશક્ત બનેલો સિંહ આખરે જીવ બચાવવા માટે એ જ જગ્યાએ જાય છે અને ત્યાં પડેલું ત્રણ-ચાર દિવસ જૂનું, સડી ગયેલું તથા ઈતરડીઓ-જીવાત પડેલું માંસ ખાવા મજબૂર બને છે. પૂરતો અને તાજો ખોરાક ન મળવાને કારણે સિંહો આંતરિક રીતે અત્યંત નબળા પડી રહ્યા છે. સ્થાનિક ખેડૂત અને સિંહપ્રેમી કરસનભાઈ બાબરીયાએ કહ્યું, “મેં સવારમાં જ એક સિંહ જોયો, તે બીમાર નહોતો પણ ભારે ભૂખ્યો હતો. 4-5 દિવસથી તેને મારણ મળ્યું ન હોવાથી તે રસ્તા પર ચાલી રહ્યો હતો. સામાન્ય રીતે ધરાયેલો સિંહ ગાડી જોઈને તરત રસ્તો ઉતરી જાય છે, પણ ભૂખ સિંહને લાચાર બનાવી દે છે.” વન વિભાગના 'ઈતરડીઓ'ના દાવા સામે સવાલ વન વિભાગ દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સિંહોના મોત ઈતરડીઓ કરડવાના કારણે થયા છે. પરંતુ સ્થાનિકો આ દાવા સામે સવાલ ઉઠાવતા કહે છે કે, જે નબળા અને મરેલા પશુઓ ઉકરડા પર ફેંકવામાં આવે છે તેમાં હજારો ઈતરડીઓઓ પહેલેથી જ હોય છે. જ્યારે ભૂખ્યો સિંહ એ સડેલું માંસ ખાય છે, ત્યારે એ ઈતરડીઓઓ સિંહના શરીરમાં પ્રવેશે છે અને લોહી ચુસીને તેને વધુ બીમાર પાડે છે. રોગનું અસલી મૂળ સડેલો ખોરાક છે, વન વિભાગ આડકતરી રીતે જવાબદારીમાંથી છટકી શકે નહીં. સિંહપ્રેમીઓની ઉગ્ર માંગ ગુજરાતનું ગૌરવ અને વિશ્વની અજાયબી ગણાતા એશિયાઈ સિંહોને જો બચાવવા હશે, તો વન વિભાગે તાત્કાલિક સક્રિય થવું પડશે. સિંહપ્રેમીઓએ સરકાર અને જંગલ ખાતા પાસે માંગ કરી છે કે: 1. ગામની બહાર ઓપન વિસ્તારમાં મરેલા માલઢોર ફેંકવા પર તાત્કાલિક પ્રતિબંધ મુકાવો જોઈએ અને તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ થવો જોઈએ. 2. કોઈપણ ભોગે સિંહના મોઢા સુધી આવું સડેલું માંસ ન પહોંચે તેની તકેદારી રાખવી જોઈએ. 3. સિંહ કુદરતી રીતે શિકાર કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે, જો તેને માણસો દ્વારા ખલેલ પહોંચાડવામાં ન આવે તો તે જંગલમાં કે સીમમાં પોતાની મેળે તાજું મારણ કરીને સ્વસ્થ રહી શકે છે. સિંહપ્રેમીઓ એવી ભીતિ સેવી રહ્યા છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો ગીરગઢડા પંથકમાં વસતા આ 35 થી 40 સિંહોનું અસ્તિત્વ પણ ટૂંક સમયમાં ભૂંસાઈ જશે.
Read Original Article →