ગીરગઢડામાં હનીટ્રેપ:યુવતી અને નકલી પોલીસે ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી આધેડ પાસેથી ₹2.05 લાખ પડાવ્યા, 4 સામે ફરિયાદ

Gujarat5/25/2026, 4:29:30 PM
ગીરગઢડામાં હનીટ્રેપ:યુવતી અને નકલી પોલીસે ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકી આપી આધેડ પાસેથી ₹2.05 લાખ પડાવ્યા, 4 સામે ફરિયાદ
ગુજરાતમાં હનીટ્રેપ અને નકલી પોલીસ બનીને લોકોને લૂંટતી ગેંગનો આતંક સતત વધી રહ્યો છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં દ્રોણેશ્વર ગુરુકુળમાં નોકરી કરતા એક આધેડને પ્રેમજાળમાં ફસાવી, ડ્રગ્સ કેસ અને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને ₹2.05 લાખ પડાવી લેવામાં આવ્યા છે. આ મામલે ભોગ બનનારે ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધાર્મિક વાતો કરીને પહેલાં વિશ્વાસ જીત્યો અહેવાલો અનુસાર, દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે નોકરી કરતા વિઠ્ઠલભાઈ ગગજીભાઈ રૂપાળા નામના આધેડને ગત ફેબ્રુઆરી મહિનામાં શિવાની પટેલ નામની એક અજાણી યુવતીના મેસેજ આવવાના શરૂ થયા હતા. યુવતીએ પોતાની ઓળખ એક ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલી હોવાનું આપીને વિઠ્ઠલભાઈ પાસે ધાર્મિક ફોટા અને સ્ટેટસ મંગાવ્યા હતા. રોજબરોજની વાતો અને ધર્મના નામે યુવતીએ આધેડનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો. દર્શનના બહાને બોલાવી રસ્તામાં જાળ બિછાવી ગત 13 ફેબ્રુઆરીના રોજ શિવાનીએ વિઠ્ઠલભાઈને ફોન કરીને જણાવ્યું કે તે ભાવનગરથી દર્શન કરવા માટે દ્રોણેશ્વર આવી છે અને તેને ગીરગઢડાથી તેડી જાય. વિઠ્ઠલભાઈ તેને તેડવા ગયા અને દ્રોણેશ્વર લઈ આવ્યા. ત્યાં સંસ્થાના સ્ટોરમાંથી ખરીદી કર્યા બાદ યુવતીએ ધોકડવા જવાનું કહ્યું હતું. વિઠ્ઠલભાઈ તેને બાઈક પર મૂકવા જતા હતા ત્યારે અંબાડા પાટિયા પાસે યુવતીએ પાણી પીવાના બહાને બાઈક ઊભી રખાવી હતી. આ જ તકનો લાભ લઈને પૂર્વ આયોજિત કાવતરા મુજબ ત્યાં એક કાર આવીને ઊભી રહી, જેમાંથી ચાર શખ્સો નીચે ઉતર્યા હતા. આ છોકરી ડ્રગ્સ કેસની આરોપી છે : નકલી પોલીસનો ખેલ કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ પોતાની ઓળખ જૂનાગઢ પોલીસ તરીકે આપી હતી. તેમણે વિઠ્ઠલભાઈને ડરાવતા કહ્યું કે,"તારી સાથે જે યુવતી છે તે નાર્કોટિક્સ (ડ્રગ્સ) કેસની આરોપી છે અને તું તેની મદદ કરી રહ્યો હોવાથી તું પણ આ કેસમાં ગુનેગાર છે." ત્યારબાદ નકલી પોલીસે વિઠ્ઠલભાઈને અલગ-અલગ ત્રણ-ચાર જગ્યાએ લઈ જઈને માર માર્યો હતો અને કેસ રફેદફે કરવા માટે શરૂઆતમાં ₹10 લાખ અને પછી ₹5 લાખની માંગણી કરી હતી. ડરના માર્યા મિત્ર અને સ્વામીજી પાસેથી પૈસા ઉછીના લીધા ભયભીત થયેલા વિઠ્ઠલભાઈએ આ નકલી પોલીસ અને યુવતીની ચુંગાલમાંથી છૂટવા માટે તાત્કાલિક પૈસાની સગવડ કરી પોતાના ઘરેથી રૂ.20,000, મિત્ર વિપુલભાઈ પાસેથી રૂ.15,000, ગુરુકુળના સ્વામી પાસેથી રૂ.1.70 લાખ, આમ, કુલ રૂ.2,05,000 વિઠ્ઠલભાઈએ આ તોડબાજ ટોળકીને આપી દીધા હતા. 3 લાખની વધુ માંગણી અને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ લૂંટારુ ટોળકી ધરાઈ નહોતી. તેમણે વિઠ્ઠલભાઈને ધમકી આપી કે જો બાકીના ₹3 લાખ નહીં આપે તો તેમના અશ્લીલ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે અને ડ્રગ્સનો કાયદેસરનો કેસ કરી જેલમાં ધકેલી દેશે. યુવતી શિવાની પટેલ સહિત 4 અજાણ્યા શખ્સો સામે ગુનો આખરે કંટાળીને વિઠ્ઠલભાઈએ હિંમત ભેગી કરી ગીરગઢડા પોલીસ સ્ટેશનના દ્વાર ખખડાવ્યા હતા. પોલીસે યુવતી શિવાની પટેલ સહિત 4 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. DYSPના જણાવ્યા અનુસાર, આ ગેંગના એક આરોપીની ઓળખ થઈ ચૂકી છે અને તે હાલ અમદાવાદ જેલમાં બંધ છે. જ્યારે ભોગ બનનાર આધેડે આ બાબતે મીડિયા સમક્ષ વધુ કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
Read Original Article →