મોતની ગર્જના અને જીવ બચાવવાનો જંગ:નવાબંદરના પીલુડીમાં સિંહ કૂવામાં ખાબક્યો; વન વિભાગની ટીમે જોખમી ઓપરેશન આદરી વનરાજનું રેસ્ક્યૂ કર્યું
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા નવાબંદરના પીલુડી વિસ્તારમાં ત્યારે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક ડાલામથ્થો સિંહ અકસ્માતે કૂવામાં ખાબક્યો હતો. જસાધાર વન વિભાગના RFO કુલદીપ ચૌહાણને આ ઘટનાની જાણ થતાં જ, ફોરેસ્ટર જીતેન્દ્ર બાંભણીયા અને હરદીપભાઈ સહિતની અત્યાધુનિક રેસ્ક્યુ ટીમ સજ્જ થઈને પળવારમાં ઘટનાસ્થળે પહોંચી હતી.
સિંહ ગમે ત્યારે છલાંગ મારીને હુમલો કરે તેમ હતું
કૂવાની ઊંડાઈમાં નજર નાખતા જ એક કદાવર નર સિંહ ભયાનક ગર્જનાઓ કરતો દૃશ્યમાન થયો હતો. વનરાજ કૂવામાં જમા થયેલા પાણીના સ્તરથી અંદાજે 10 થી 15 ફૂટ ઉપરના ભાગે ટેકો લઈને બેઠો હતો.સિંહ ગમે ત્યારે છલાંગ મારીને બહાર નીકળી હુમલો કરી શકે તેવી પ્રબળ શક્યતાઓને જોતા, વન વિભાગ માટે આ ઓપરેશન અત્યંત જોખમી અને પડકારજનક સાબિત થઈ રહ્યું હતું.
બચાવના દોરડાને વનરાજ ટુકડા કરી નાખતો
આ ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ સિંહને જોવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. ભીડને કાબૂમાં લેવા અને લોકોની તેમજ સિંહની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વન વિભાગને તાકીદે પોલીસ કાફલાની મદદ લેવાની ફરજ પડી હતી. સિંહને સલામત બહાર લાવવા માટે કૂવામાં મજબૂત દોરડા ઉતારવામાં આવ્યા, પરંતુ વનરાજ મિજાજ ગુમાવીને વારંવાર પોતાના તીક્ષ્ણ દાંત વડે દોરડાના ટુકડે-ટુકડા કરી નાખતા હતા. રેસ્ક્યૂ ટીમ અને સિંહ વચ્ચે 30 મિનિટ સંતાકૂકડી
અંદાજે 30 મિનિટથી વધુ સમય સુધી વન વિભાગના નિષ્ણાતો અને સિંહ વચ્ચે સંતાકૂકડી જેવો ખેલ ચાલ્યો હતો. જ્યારે પણ સિંહના પગમાં દોરડું ફસાવવાનો પ્રયાસ થતો, ત્યારે તે પળવારમાં દોરડું કાપીને ફરી કૂવાના પાણીમાં ઉતરી જતો હતો. તેમ છતાં, વન વિભાગના કર્મનિષ્ઠ જવાનોએ હાર માન્યા વગર સતત ધૈર્યપૂર્વક પોતાના પ્રયાસો જારી રાખ્યા હતા. રેસ્ક્યુ ઓપરેશન સુખદ રીતે પૂર્ણ થયું
આખરે, 1 કલાકના અથાક પરિશ્રમ બાદ સિંહ દોરડાના ગાળિયામાં બરાબર ફસાયો હતો. વન વિભાગે વ્યુહાત્મક રીતે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી કૂવાના કાંઠે પાંજરું ગોઠવ્યું અને વનરાજને સફળતાપૂર્વક પાંજરે પૂરી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યા હતા. વન વિભાગની આ સમયસૂચકતા અને સાહસને કારણે માનવ અને વન્યજીવ બંનેની સુરક્ષા સાથે આ રેસ્ક્યુ ઓપરેશન સુખદ રીતે પૂર્ણ થયું હતું. આ પણ વાંચો 6 માસનો બાળસિંહ 50 ફૂટ ઊંડા કૂવામાં ખાબક્યો
ઉના અને ગીરગઢડા પંથકની જંગલ બોર્ડર પર વન્ય પ્રાણીઓની અવરજવર સામાન્ય છે, પરંતુ ક્યારેક ખુલ્લા કૂવા આ પ્રાણીઓ માટે મોતનો કૂવો સાબિત થતા હોય છે. છ મહિના પહેલા આવી જ એક ઘટના ગીરગઢડાના ઝાંઝરિયા ગામની સીમમાં બની હતી, જ્યાં એક માસૂમ સિંહબાળ કૂવામાં ખાબક્યું હતું. જોકે, વન વિભાગની સમયસૂચકતાને કારણે સિંહબાળનો આબાદ બચાવ થયો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો)
Read Original Article →