ગીરગઢડા ડમ્પિંગ યાર્ડ નજીકથી ઘાયલ સિંહનું રેસ્ક્યુ:સિંહની સ્થિતિ અંગે વન વિભાગ મૌન, અધિકારીએ ઘાયલ સિંહના ફોટોગ્રાફ્સ ન આપ્યાં
ગીરગઢડા નજીક આવેલા ડમ્પિંગ યાર્ડ પાછળથી તાજેતરમાં જ એક ઘાયલ સિંહનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બાબરીયા રેન્જમાં આવેલ પોપટડી નેસમાં પણ એક માદાનું રેસ્ક્યુ કર્યું છે. વન વિભાગ દ્વારા આખી રાત ઓપરેશન ચલાવીને આ સિંહને પકડી તાત્કાલિક સારવાર માટે એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવ્યો છે. જોકે, આ ઘટના બાદ ડમ્પિંગ યાર્ડમાં પડેલા મૃત પશુઓના અવશેષો હજુ સુધી હટાવવામાં ન આવતા સ્થાનિકો અને વન્યપ્રેમીઓમાં વન વિભાગની કામગીરી સામે ભારે રોષ અને ચિંતા વ્યાપી છે. ડમ્પિંગ યાર્ડ 'બેબેસિયા' જેવા જીવલેણ રોગનું કેન્દ્ર?
સ્થાનિક વન્યપ્રેમીઓનો ગંભીર આક્ષેપ છે કે ગીરગઢડા બાબરીયા નજીક આવેલું આ ડમ્પિંગ યાર્ડ સિંહોમાં ફેલાતા રોગચાળાનું મુખ્ય કારણ બની રહ્યું છે. ડમ્પિંગ યાર્ડમાં ખુલ્લામાં ફેંકવામાં આવતા મૃત પશુઓના અવશેષો ખાવાને કારણે સિંહો 'બેબેસિયા' જેવા અત્યંત જીવલેણ રોગનો ભોગ બની રહ્યા છે. જો આ ડમ્પિંગ યાર્ડને નિયમિતપણે સાફ કરવામાં આવે તો અનેક સિંહોના જીવ બચાવી શકાય તેમ છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. સિંહોની અવરજવરથી ખેડૂતોમાં ચિંતા
વન વિભાગે પોતે સ્વીકાર્યું છે કે આ વિસ્તારના ખેડૂતો દ્વારા સિંહોની અવરજવર અંગે ફરિયાદો મળી હતી. ડમ્પિંગ યાર્ડમાં પડ્યા રહેતા મૃત પશુઓની તીવ્ર ગંધના કારણે સિંહો મોટી સંખ્યામાં આ વિસ્તાર તરફ ખેંચાઈ આવે છે. આ સિંહો નજીકમાં આવેલા શેરડીના ખેતરોમાં આશરો લે છે, જેના કારણે ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. અધિકારીએ ઘાયલ સિંહની સ્થિતિ અંગેના ફોટોગ્રાફ્સ ન આપ્યાં
જશાધાર રેન્જના RFO ચૌહાણના જણાવ્યા મુજબ, સિંહને સામાન્ય ઈજા થઈ હોવાથી તેને રેસ્ક્યુ કરાયો છે. જોકે, વન વિભાગની પારદર્શિતા સામે ત્યારે સવાલો ઉઠ્યા જ્યારે ઘાયલ સિંહની સ્થિતિ અંગેના ફોટોગ્રાફ્સ આપવાનો અધિકારીઓએ સાફ ઇનકાર કરી દીધો. આનાથી સિંહની વાસ્તવિક સ્થિતિ અંગે લોકોમાં શંકા વધુ ઘેરી બની છે. સ્થાનિક અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવેદનોમાં મોટો વિરોધાભાસ
વન વિભાગ એકતરફ સિંહો સલામત હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ સિંહોને મુક્ત કર્યાના બીજા જ દિવસે ફરી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાય છે. આ અંગે જ્યારે સ્થાનિક વન્યપ્રેમીઓએ જસાધાર રેન્જમાંથી નર સિંહ અને બાબરીયા રેન્જમાંથી માદા સિંહના રેસ્ક્યુ અંગે માહિતી માંગી, ત્યારે અધિકારીઓએ "સરકારે માહિતી આપવાની ના પાડી છે" તેવો લૂલો બચાવ કર્યો હતો. સ્થાનિક અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓના નિવેદનોમાં મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. સિંહોના સ્કેનિંગ અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
વન વિભાગ આ સમગ્ર રેસ્ક્યુ કામગીરીને પોતાની નિયમિત પ્રક્રિયા ગણાવી રહ્યું છે. વિભાગના જણાવ્યા અનુસાર, જશાધાર રેન્જમાં સોથી વધુ સિંહોની અવરજવર રહેતી હોવાથી બાકીના સિંહોને રોગથી બચાવવા માટે સ્કેનિંગ અને રસીકરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. પરંતુ વન્યપ્રેમીઓ સામે સવાલ એ ઉઠાવી રહ્યા છે કે, જ્યાં સુધી રોગનું મુખ્ય મૂળ એટલે કે ડમ્પિંગ યાર્ડના ગંદા અવશેષો ત્યાં જ પડ્યા રહેશે, ત્યાં સુધી માત્ર રસીકરણ કરવાથી સિંહોને કેટલો ફાયદો થશે? જો વન વિભાગ આ બાબતે કોઈ કડક પગલાં નહીં ભરે, તો એશિયાટીક સિંહોનું અસ્તિત્વ મોટા જોખમમાં મુકાઈ શકે છે.
Read Original Article →