વેરાવળ-સોમનાથ બાયપાસ પર હિટ એન્ડ રનમાં માતાનું મોત:મોપેડ પર માતા-પુત્રને ટક્કર, પુત્ર ગંભીર; ટ્રક ચાલક ફરાર

Gujarat4/8/2026, 7:32:53 AM
વેરાવળ-સોમનાથ બાયપાસ પર હિટ એન્ડ રનમાં માતાનું મોત:મોપેડ પર માતા-પુત્રને ટક્કર, પુત્ર ગંભીર; ટ્રક ચાલક ફરાર
વેરાવળ-સોમનાથ બાયપાસ પર ગત રાત્રે આશરે 12 વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. મોપેડ પર સવાર થઈ ઘરે પરત ફરી રહેલા માતા-પુત્રને પાછળથી આવતા એક અજાણ્યા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 65 વર્ષીય ડાયાબેન દેવરાજભાઈ ગળચરનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમનો પુત્ર ભગવાન ઉર્ફે ભાર્ગવ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. અકસ્માતની વિગત પ્રાપ્ત માહિતી અનુસાર, માતા-પુત્ર મોપેડ (નંબર GJ32AC7701) પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવેલા ટ્રકે તેમને અડફેટે લીધા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે બંને રોડ પર ફંગોળાયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ ભાર્ગવને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. પોલીસ કાર્યવાહી આ મામલે મૃતકના પુત્રએ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને ફરાર ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા હાઈવે પરના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. સ્થાનિકોમાં રોષ વેરાવળ-સોમનાથ બાયપાસ પર સતત વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોના મતે ભારે વાહનોની બેફામ ગતિ અકસ્માતનું મુખ્ય કારણ છે.બાયપાસ પર ટ્રાફિક નિયમન અને સુરક્ષાના સાધનોનો અભાવ છે.વારંવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. હાલમાં પોલીસ આ કેસમાં વધુ તપાસ કરી રહી છે અને ફરાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. બીજી તરફ, અચાનક બનેલી આ ઘટનાથી ગળચર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Read Original Article →