વેરાવળમાં શનિદેવ જન્મજયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી:કલેક્ટર ઉપાધ્યાય, PI ગઢવી સહિત અનેક આગેવાનોએ દર્શન-હવનનો લાભ લીધો
વેરાવળ ખાતે 16મે, 2026ના રોજ શનિદેવ મહારાજની જન્મજયંતિ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી હતી. વિક્રમ સંવત 2082ના વૈશાખ વદ અમાસના દિવસે, રાજેન્દ્ર ભુવન ચોપાટી પાસે આવેલા પૌરાણિક ચૈતન્યવીર હનુમાન મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ ઉજવણી અંતર્ગત શ્રી શનિદેવ અભિષેક, નવગ્રહ શાંતિ પાઠ, શ્રી શનિદેવ કથા અને 23,000 આહુતિનો યજ્ઞ યોજાયો હતો. મંદિરના મહંત ગાદીપતિ અંબુજદાસ મહારાજ અને ભક્તજનો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત માધવદાસ મહારાજની આજ્ઞા અનુસાર, ગાદીપતિ મહંત અંબુજદાસ મહારાજ અને ભક્તજનોએ સૂર્યપુત્ર શનિદેવ મહારાજના જન્મ મહોત્સવ અને શ્રી મનોકામના પૂર્તિ શનિદેવના પ્રથમ પાટોત્સવ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ યજ્ઞમાં મુખ્ય યજમાન પરેશભાઈ ઠક્કર રવેશીયા સહિત અનેક ભક્તજનોએ 23,000 આહુતિ આપી હતી. દિવસભરના કાર્યક્રમોમાં બપોરે ચાર કલાકે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સાંજે 108 દીપની મહાઆરતી અને મહાપ્રસાદ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, વેરાવળ સિટી પી.આઈ. જે.એન. ગઢવી, કથાકાર કલ્પેશભાઈ મહેતા, વિવિધ મહંતો, સાધુ-સંતો અને આચાર્ય બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ઝવેરીભાઈ ઠકરાર, માનસિંગભાઈ પરમાર, શૈલેષભાઈ મેસવાણિયા, જતીન બાપુ, લખમભાઈ ભેસલા, તુલસીભાઈ ગોહેલ, નરેશભાઈ ગોહેલ, કેશુભાઈ ભાભણી, રાજુભાઈ ક્રિષ્નાની, નીતિનભાઈ દેવાણી (કેશોદ), પરેશભાઈ રવેશિયા ઠક્કર, મનીષભાઈ અશોકભાઈ બોમ્બે ટ્રેડર્સ, નરેન્દ્રભાઈ શિંગાળા, પ્રકાશભાઈ અઢિયા, દિવ્યેશભાઈ રાયઠ્ઠઠા સહિત સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓએ યજ્ઞ, પૂજા, અભિષેક, કથા, ધૂન-ભજન અને કીર્તનનો લાભ લીધો હતો. વેરાવળ અને આસપાસના રામ ધૂન મંડળ, ત્રિકમરાય મંદિર ધૂન, બાપા સીતારામ ધૂન, ભાલકા સંકીર્તન મંદિર, જાગૃત હનુમાન મંદિર, દામા બાપા ધૂન મંદિર, શ્યામ સુંદર ધૂન, જય સોમનાથ ધૂન મંડળ, શ્રી બિહારી બાપા ધૂન, કલ્યાણ ધૂન મંડળ, શ્રી ચૈતન્ય વીર હનુમાન મંડળ, નવું રામ મંદિર અને ચંદ્રમોલેશ્વર મહિલા મંડળ સહિતના ધાર્મિક ધૂન મંડળોએ રાત્રિ દરમિયાન ધૂન-ભજન-કીર્તન કરીને શનિદેવ મહારાજને પ્રસન્ન કર્યા હતા.
Read Original Article →